આતંકીસ્થાન બની બેઠેલા પાકિસ્તાનને વૈશ્ચિક નાણાકીય સંસ્થા ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ બેવડો ફટકો માર્યો છે. એફએટીએફે માત્ર પાકિસ્તાનને જ ગ્રે લિસ્ટમાં નથી રાખ્યું બલકે તેના ગુરુ તુર્કીને પણ આતંકીઓને પાળવા પોષવાના આરોપમાં ગ્રે લિસ્ટમાં નાખી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પાકિસ્તાન વારંવાર તુર્કીની મદદથી બ્લેક લિસ્ટ થતા બચી રહ્યું હતું અને હવે ખુદ તુર્કી જ એફએટીએફની ઝપટમાં આવી ગયું છે. પાકિસ્તાન અને તુર્કી સામેના આ પગલાથી ભારતને મોટી સફળતા મળી છે જે આતંકી હુમલાનો સામનો કરી રહ્યું છે.
એફએટીએફએ પાકિસ્તાનના એ આરોપોનું ખંડન કર્યું હતું કે તેણે ભારતના દબાણમાં આવીને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકયું છે. એફએટીએફના અધ્યક્ષ ડો. માર્કસ પ્લેયરે જણાવ્યું હતું કે પાકે ગંભીરતાથી એ બતાવવાની જરૂર છે કે પ્રતિબંધિત આતંકીઓ અને આતંકી સંગઠનો સામે તપાસ અને કાનૂની કાર્યવાહી સખ્તાઈથી ચાલી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે અમે અમારો નિર્ણય સામાન્ય સહમતીથી લઈએ છીએ. પ્લેયરના આ નિવેદન બાદ ભારત વિરોધી પાકિસ્તાની દાવાનીહવા નીકળી ગઈ છે. એફએટીએફએ એમ જણાવ્યું હતું કે પાકિસ્તાન ત્યાં સુધી આ યાદીમાં સામેલ રહેશે, જયા સુધી તે એ સાબિત નહીં કરે કે જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સૈયદ અને જૈશ એ મોહમ્મદના સંસ્થાપક મસૂદ અજહર સામે કાર્યવાહી થઈ રહી છે કે જેમને યુનોએ વૈશ્ચિક આતંકવાદીઓની યાદીમાં મૂકયા છે. એફએટીએફના આ પગલંથી તુર્કી અને પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ બગડી જશે.