જો અમદાવાદમાં તમારો કોઇ પ્લોટ હોય તો નિયમિત રીતે ચેક કરવું જરૂરી છે, નહીંતર તેનો કોઇ બીજાએ દસ્તાવેજ કરી લીધો પણ હોય. મકરબામાં પ્લોટ ધરાવતા એનઆરઆઇ ધ્રુવીશ મહેતાનો ૩૨ કરોડનો પ્લોટ બારોબાર વેચાઇ ગયો હતો. ડમી વ્યક્તિ ધ્રુવીશ બની ગયો અને આ પ્લોટ પાર્થ શાહને વેચી દીધો. હવે આ જ પ્લોટ વેચાવા માટે ધ્રુવીશના પિતા પાસે આવ્યો ત્યારે સમગ્ર ભાંડો ફુટ્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે ઠગ ત્રિપુટીને ઝડપી લીધી હતી. ડમી ધ્રુવીશ બનેલા યુવકને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. કોઇ ફિલ્મી પાત્રમાં ઢળી જવા માટે એક્ટર જેવી મહેનત કરી તેવી મહેનત આ ઠગ ટુકડીએ ખાસ ન્યૂઝીલેન્ડથી બોલાવેલા ધ્રુવીશના હમશકલ જીગર શાહ પાસે કરાવી હતી. ધ્રુવીશની જેમ વાત કરતાં ચાલતાં શીખવવામાં આવ્યું હતું. મેકઓવર કરીને ધ્રુવીશ જેવો લૂક પણ આપવામાં આવ્યો હતો. ફુલપ્રૂફ પ્લાન મુજબ જીગરને ધ્રુવીશ બની દસ્તાવેજ કરીને પરત ન્યૂઝીલેન્ડ ચાલ્યા જવાનું હતું. એટલે પકડાવાનો ડર નહોતો. જાકે, ધ્રુવીશ બનાવા માટે રૂ. ચાર લાખ લેનાર જીગર ન્યૂઝીલેન્ડ જાય તે પહેલાં જ પકડાઇ ગયો છે.
પ્રહલાદનગરના આશીર્વાદ બંગલોઝમાં રહેતા હિતેશ મહેતા ઓઇલનો ધંધો કરે છે. તેમનો દિકરો ધ્રુવીશ અમેરિકામાં રહે છે. મહેતા પરિવારે ૨૦૧૪માં મકરબાની અભિશ્રી રેસીડન્સીમાં એક મોટો પ્લોટ ખરીદ્યો હતો. આ પ્લોટ પાર્થ શાહ નામનો વ્યકિત વેચવા માટે ફરી રહ્યો હોવાની વિગતો હિતેશ મહેતાના ધ્યાનમાં આવી હતી. ધ્રુવીશે કોઇને પ્લોટ ન વેચ્યો હોવા છતાં આ પ્લોટ પાર્થ કેવી રીતે વેચવા ફરે છે આ મુદ્દે તપાસ શરૂ કરી. બીજી તરફ અમદાવાદ આવેલા ધ્રુવીશને પણ આ બાબતે જાણ કરી. ધ્રુવીશે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકનો સંપર્ક કરી પોતાની રજૂઆત કરી. આ પ્રકરણની તપાસ ઇઓડબલ્યુના ડીસીપી જયરાજસિંહ વાળાને સોંપવામાં આવી. એસીપી ચાવડાએ ચાર ટીમ બનાવી તપાસ શરૂ કરી. એક જ દિવસમાં ઇન્સ્પેક્ટર વી.એન. ચૌધરી., વિક્રમસિંહ સિસોદિયા, ડી.ડી. સોલંકી અને વી.એમ. સાટિયાની ટીમે આ કાંડ કરનાર પાર્થ નરેન્દ્રભાઇ શાહ (રહે. ગૌતમકૃપા એપાર્ટમેન્ટ, વાસણા), મેહુલ પ્રવીણચંદ્ર પરીખ (રેવતી ટાવર, રામદેવનગર, સેટેલાઇટ) અને કિશોર કેશવલાલ પંડ્યા (ન્યૂ નિકિતા પાર્ક, ગુરુકુળ)ને ઝડપી લીધા હતા.પ્રાથમિક પૂછપરછમાં તેમણે કબૂલાત કરી હતી કે અમેરિકામાં રહેતા ધ્રુવીશ મહેતાના નામના બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવી લીધા હતા. હવે તેમણે એક યુવકને બનાવટી ધ્રુવીશ મહેતા બનાવી ખોટા ડોક્યુમેન્ટને આધારે આ જમીન પાર્થ શાહને વેચી હોવાના સબ રજિસ્ટ્રાર અને મામલતદાર ઓફિસમાં દસ્તાવેજ કરાવી હક પત્રકમાં પાર્થની એન્ટ્રી કરાવી દીધી હતી. ડમી ધ્રુવીશ બનનાર યુવક અંગે પૂછપરછ કરતાં પાર્થ શાહે કબૂલાત કરી હતી કે જીગર ગૌતમભાઇ શાહને ડમી ધ્રુવીશ બનાવવામાં આવ્યો હતો. જીગર પાર્થના સંપર્કમાં હતો અને છેલ્લા એકાદ વર્ષથી ન્યૂઝીલેન્ડ હતો. તેને વિઝા રિન્યૂ કરાવવા માટે અમદાવાદ આવવાનું જ હતું. પાર્થએ તેને ડમી ધ્રુવીશ બનવા માટે અમદાવાદ આવવા જવાની ટિકિટ અને ચાર લાખ રૂપિયાની ઓફર કરી હતી. જીગરનો ચહેરો ધ્રુવીશને મળતો આવતો હોવાથી તેને અમદાવાદ બોલાવી ધ્રુવીશની માફક વાતચીત કરતાં, ચાલતા શીખવવામાં આવ્યું હતું તેનો મેકઓવર કરી ધ્રુવીશ બનાવી દેવામાં આવ્યો અને દસ્તાવેજ પણ કરાવી દેવામાં આવ્યો હતો. હવે ડમી ધ્રુવીશ એટલે કે જીગર પરત ન્યૂઝીલેન્ડ ચાલ્યો જાય એટલે પકડાવાની સંભાવના નહીંવત હતી. જાકે પોલીસે જીગર ન્યૂઝીલેન્ડ ભાગી જાય તે પહેલાં જ તેને ઝડપી લીધો છે.