રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પ્રતિબંધિત નક્સલવાદી સંગઠન સીપીઆઈ (માઓવાદી) વિરુદ્ધ તેની તપાસના સંદર્ભમાં બિહારમાં દરોડા પાડ્યા હતા. એજન્સીએ જણાવ્યું હતું કે બિહારમાં પાંચ સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું. એનઆઇએએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સીપીઆઇ (માઓવાદી) કેડરોની કથિત સંડોવણીની તપાસ હાથ ધરી હતી અને કૈમુર જિલ્લામાં કુલ પાંચ સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી. આ સમયગાળા દરમિયાન મોટી માત્રામાં હથિયારો, રોકડ અને ડિજિટલ ઉપકરણો મળી આવ્યા હતા. જપ્ત કરવામાં આવેલી સામગ્રીમાં વિવિધ બોરના દસ હથિયારો, ૪.૦૩ કરોડ રૂપિયા રોકડા, વિવિધ ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત દસ્તાવેજા સામેલ છે.
સીપીઆઈ (માઓવાદી) દ્વારા મગધ ઝોનમાં પ્રતિબંધિત સંગઠનને પુનઃજીવિત કરવા અને તેને મજબૂત બનાવવાના કાવતરાને નિષ્ફળ બનાવવાના હેતુથી રાજ્યના ગયા અને કૈમુર જિલ્લાઓમાં કુલ પાંચ સ્થળોની શોધ કરવામાં આવી હતી. ષડયંત્રના કેસમાં ત્રણ શંકાસ્પદ લોકોના ઘરો અને ઓફિસની તપાસ કરવામાં આવી હતી, એનઆઈએ તપાસમાં જાણવા મળ્યું હતું કે ત્રણેય સીપીઆઈ (માઓવાદી) નેતાઓને તેમની નક્સલવાદી પ્રવૃત્તિઓને પુનર્જીવિત કરવા માટે નાણાં અને લોજિસ્ટીક્સ સહાય પૂરી પાડવામાં સામેલ હતા.
આ મામલો ૭ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ ઔરંગાબાદ જિલ્લાના ગોહ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે સીપીઆઇ (માઓવાદી) કાર્યકરોની ધરપકડ સાથે શરૂ થયો હતો. આરોપી રોહિત રાય અને પ્રમોદ યાદવ પાસેથી હથિયારો અને દારૂગોળો તેમજ સીપીઆઇ (માઓવાદી) મગધ પ્રાદેશિક સંગઠન સમિતિ સંબંધિત પુસ્તીકાઓ મળી આવી હતી. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ તપાસ સંભાળનાર એનઆઇએએ ૨૦ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. એજન્સી, જેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં રોહિત અને પ્રમોદ સામે ચાર્જશીટ દાખલ કરી હતી, તે જાણવા મળ્યું હતું કે બંને, તેમના સહયોગીઓ સાથે, આ વિસ્તારમાં મૃત્યુ પામતા સીપીઆઇ (માઓવાદી) ચળવળને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેની હિંસક રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા હતા.
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.એનઆઇએએ માર્ચ ૨૦૨૪માં આરોપી અનિલ યાદવ ઉર્ફે અંકુશ અને સીપીઆઇ (માઓવાદી) પોલિટબ્યુરોના સભ્ય પ્રમોદ મિશ્રા વિરુદ્ધ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી હતી. જુલાઈમાં તેની બીજી પૂરક ચાર્જશીટમાં એનઆઇએએ અન્ય આરોપી અનિલ યાદવ ઉર્ફે છોટા સંદીપનું નામ પણ આપ્યું હતું. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
એનઆઇએએે બિહાર લેજિસ્લેટિવ કાઉન્સીલ (એમએલસી)ના ભૂતપૂર્વ સભ્ય સહિત બે લોકોના ઘરની તપાસ હાથ ધરી હતી. એનઆઇએના અધિકારીઓએ ગયા જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઇંથા ગામમાં પૂર્વ એમએલસી મનોરમા દેવી અને દ્વારિકા યાદવના પરિસરમાં સર્ચ હાથ ધર્યું હતું.એનઆઇએની કાર્યવાહી અંગે અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. મનોરમા દેવી સાથે સંકળાયેલા પરિવારજનોને અગાઉ સીપીઆઇ (માઓવાદી) કેડર સાથેના સંબંધોના આરોપમાં તપાસ એજન્સીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વારંવાર પ્રયત્નો કરવા છતાં, મનોરમા દેવી આ મુદ્દા પર તેમની ટિપ્પણી માટે ઉપલબ્ધ નહોતા. ગયાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) આશિષ ભારતીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “એનઆઈએએ જિલ્લા પોલીસને ગયામાં તેના સર્ચ ઓપરેશન માટે સુરક્ષા કર્મચારીઓ પ્રદાન કરવા વિનંતી કરી હતી. જે કેન્દ્રીય તપાસ એજન્સીને આપવામાં આવી હતી.