“અરે અરે બકા, આમ કોઈ ‘દિ ના પહેર્યા હોય એવા કપડાં પહેરીને તું ક્યાં જાય છે? અને આમ તને જાવાની ઉતાવળ કેમ છે ??”
તૈયાર થઈને જઈ રહેલા બકાને રોકતાં બોસે ટકોર કરી. અભણ અમથાલાલને પણ અચરજ થયું.
“બોસ, ક્યાંક હારા કામે જતાં હોઈએ ત્યાં જ તમારો કેંકારો આવી જાય છે. તમને ખબર નથી ? કે, સારા કામે જનારને કેંકારો ના કરાય!! અને તમે છો કે, તમને બોલ્યા વગર હાલતું જ નથી. લ્યો હવે, મને તો અપશુકન કરી દીધા ને.”
“તું અને હારું કામ ? બીજા ગામનું પાદર કોઈ ‘દિ હારી રીતે ભાળ્યું છે ? તો પછી બીજું હારું કામ તારા માટે કયું હોય છે?”
“બોસ… તમને તો ખબર જ છે કે, ગુજરાતમાં હીરામાં હમણા હમણા મંદીની મોસમ હાલે છે. કપાસ અને માંડવીના ભાવ મળતાં નથી. અને અધૂરામાં પૂરું આ ટ્રમ્પે આપણા હજારો ભારતીયો જેઓ બધું જ વેચીને ગેરકાનૂની રીતે અમેરિકામાં ઘૂસ્યા છે એમને વીણી વીણીને ભારતમાં પાછા ભરતી કરી રહ્યા છે. હવે આવા દિવસોમાં આપણા ભારતીયો જાય તો ક્યાં જાય!?”
“એટલે તારે આવા દાડાના દુઃખીયાને બચાવવા અમેરિકા જાવું છે? બકા, ગાંડો થયો કે, થાહ. ઓલ્યો ટ્રમ્પ મોદીનું ‘ય માનતો નથી. અને તારી પીપુડી હાંભળશે !?? જોયું નહીં. એનાં શપથવિધિ સમારોહમાં મોદીને ના બોલાવીને ભારતનું નાક કાપ્યું ‘તું. તું ન્યા જઈને કરીશ શું? ”
“તમે તો ભાઈ ભારે ઉતાવળા. મારે ન્યા સપનાંમાં ‘ય જાવું નથ. અને જેણે કર્યું છે ઈ ભોગવે. આપણે એમાં પડવું નથ.”
“તો પછી તું આવો તૈયાર થઈને જાય છે ક્યાં ?”
“મારે હવે મુંબઈ જાવું છે.”“કેમ તારે મુંબઈ જાવું છે? મુંબઈ વાળા હીરાના શેઠીયાઓ સુરતમાં બનેલા ડાયમંડ બુર્સમાં આવે છે અને તારે હીરા ઘસવા મુંબઈ જાવું છે ?”
બકો હવે અકળાણો. “બોસ… મારે મુંબઈ હીરા ઘસવા નથી જાવું. મારે ફિલમની લાઈનમાં જાવું છે. તમે જોયું નહીં. એક એક ફિલમના એકટરો ચાલીસ ચાલીસ કરોડ રૂપિયા લે છે.”
હવે અભણ અમથાલાલનો વારો આવ્યો.
“બકા, તારી જાણ ખાતર કહી દઉં કે, ચાલીસ કરોડ લેનાર ભાઈ માણહ નહીં. પણ, બાઈ માણહ છે.”
“અરે, ભલેને બાઈ માણહ હોય. હવે ફિલમવાળા ભાઈ માણહ કે બાઈ માણહ ક્યાં જૂએ છે ? એ તો ભાઈ માણહને ‘ય બાઈ માણહ બનાવી નાખે છે અને હારા હારા બને ‘ય છે.”
બોસે વચ્ચે ટાપસી પૂરી.
“બકા, ઈ હારા હારા અને તારામાં ઘી અને ઘાસલેટમાં ફેર, એટ્‌લો જ ફેર.”
“તે ભલે ને હોય..!! બોવ બોવ તો એની ઉપર ધોધમાર વરહશે. પણ, આપણી બાજું વાછટ તો આવશે ને.”
“બકા, ન્યાં તારી જેવા કેટલાંય વાછટીયા આંટાફેરા મારે છે એમાં તારો વારો આવશે ?”
“તમે પેલાં ઈ કયો કે, તમે ઉપરનો ફોટો જોયો ??”
“એમાં વળી શું જોવાનું? હશે કોઈક ભીખારી.”
“બોસ, ફોટો બરાબર જૂઓ. ભીખારી લાગે છે?”
“તો પછી લાગે છે તો આદીમાનવ જેવો. એટલે આદીમાનવ જ હશે. પણ, એ આદીમાનવ આપણી માણસોની વસાહતમાં શું કરી રહ્યો છે?
ભૂલો તો નથી પડયો ને !! કે પછી, ટ્રમ્પે આને વિમાનમાં તો નથી બેસાડી દીધો ને !! ન્યાં બબ્બે ભેગા ન થાય એટલે.”
“બોસ બોસ. હજીય તમે ખાંડ ખાવ છો. ટ્રમ્પ આવા આદીમાનવને શા માટે મોકલે ? એવાંની તો ન્યાં જરૂર છે અને તમારી જાણ ખાતર કહી દઉં કે, આ કોઈ આદીમાનવ નથી. હા, એ દેખાવમાં લાગે છે આદીમાનવ. પણ એ રીલ લાઇફમાં આદીમાનવ છે. પણ, રીયલ લાઇફમાં માણસ છે.”
વચ્ચે જ અભણ અમથાલાલ બોલ્યા.
“ભાઈ તમે ભલે રીયલ લાઇફમાં માણસ કહો. પણ, એના કામ આદીમાનવથી જરાં ‘ય કમ નથી. યાદ છે? એમણે ફિલ્મ પી.કે. બનાવી હતી. એમાં ન્યૂડ રોલ ભજવ્યો હતો.”
“અમથાલાલ એ ફિલ્મ હતી. અને આ રીયલ લાઇફ છે.”
“હા, ભઈ મને ખબર છે. પણ, મને એ ‘ય ખબર છે કે, જે માનવ પોતાની સગી દીકરીને (રીયલ લાઇફમાં) બે અંડર ગારમેન્ટમાં જોઈને તાળીઓ પાડતો હોય અને શાબાશી આપતો હોય. અને કપડાં બદલે એમ બાયડી બદલતો હોય એ માનવી આદીમાનવ જ હોય.”
“તમે તો અમથાલાલ ભારે બધું યાદ રાખો છો. આના માટે હું કાન પકડું છું.”
હવે બોસથી રહેવાયું નહીં.
“બકા, તું પેલા ઈ કે, તું તૈયાર થઈને જાય છે ક્યાં?”
જૂઓ.., આ આદીમાનવ આમીરખાન છે. અને સમજો. એને આ લાઈફ પસંદ પડી ગઈ. તો ફિલ્મ લાઈનમાં એક જગ્યા પડશે ને !! આ જગ્યા માટે હું મુંબઈ જઈ રહ્યો છું. હવે મને ઓલ ધ બેસ્ટ તો કહો.
kalubhaibhad123@gmail.com