આશ્ચર્ય એ વાતનું છે કે
પૃથ્વીલોકમાં હજુ સુધી કોઈ સ્થળે ‘ખુશામતખોરી કોચિંગ કલાસ’ કે ‘ખુશામતખોરી ટ્રેનિંગ સેન્ટરો’ ખુલ્યાં નથી. ત્યાં સુધી કે કોઈ યુનિવર્સિટીમાં ખુશામતખોરી શીખવતો નાનો એવો ડિપ્લોમા કે નાની એવી ‘ડીપ્લોમી’ પણ થતી નથી. જગત આખાના શિક્ષણ જગતમાં ખુશામતખોરી વિશેના સ્પેશ્યલ કે ઇવન ચાલુ કોર્સની પણ કોઈ જોગવાઇ નથી.
તમારા મનમાં એવા પ્રશ્નનું ફીંડલુ ઉખળી રહ્યું હોય કે કઈ બલાનું નામ છે આ ખુશામતખોરી? તો તમારા પ્રશ્નને અત્રેના ‘વાજબી સવાલ’ વિભાગમાં લઈ જવામાં આવે છે. અને આપને તદ્દન ‘વાજબી ભાવે’ જવાબ આપવામાં આવે છે કે ખુશામતખોરી એટલે કોઈ પણ વ્યક્તિની હદ બહારની કે વધારે પડતી પ્રશંસા. જગતભરના ગુજરાતી મનુષ્યો જેને ચાપલૂસી કહે છે તેની શાબ્દિક અમલ-પ્રક્રિયાને ખુશામતખોરી કહેવામાં આવે છે. અર્થાત એક સર્વસામાન્ય જાગતિક સમજ અનુસાર ખુશામતખોરી એક શબ્દશસ્ત્ર છે. શસ્ત્ર નહી તો સાધન તો છે જ. ખુશામતખોરી નામના હથિયાર વડે અત્યાર સુધી અનેક રાજાઓ અને તેમના રજવાડાંઓ ‘ખોવાયમાન’ થઈ ચૂક્યાં છે. ખુશામતખોરીની મનમોહક ભ્રમણાઓ અબજોમાં આળોટતી કસદાર કંપનીઓને કાટમાળ બનાવી ચૂકી છે. ડેલ કાર્નેગી કહે છેઃ દુશ્મનોથી ડરવાની કોઇ જરુર નથી. ડરવું હોય તો ખુશામતખોરી કરનારા મિત્રોથી ડરો.
તમને હજુ ય પ્રશ્ન નથી થયો કે કઈ રીતે ઉખેળવામાં આવે છે ખુશામતખોરીના ફીંડલા? કેમ નથી ખુલ્લા એના કોચિંગ ક્લાસ? જવાબ છેઃ આ ‘મહાપરિણામદાયી’ કલા સર્વસાધ્ય અને સહજસાધ્ય છે. ખુશામતખોરીમાં તમારે શિયાળના મનમાં એવું ઠસાવવાનું છે કે તમે એને સિંહ માનો છો. ખુશામતખોરીમાં તમારે તમારી પ્રેમિકાને જેનિફર એનિસ્ટન કે જેનીફર લોપેઝ કરતા ચોવીસ ચાસણી ચઢિયાતી ગણાવાની છે. (માનવાનું ફરજિયાત નથી !) ખુશામતખોરીના અઘોર અમલમાં તમારો લેટેસ્ટ લવર, જસ્ટીન બિબર કરતાં સ્હેજ પણ ઉતરતો ન હોઈ શકે. સ્વભાવના ચહેરા ઉપર ખુશામતખોરીનું માખણ લગાડીને તાત્કાલિક ‘પૌષ્ટિક પ્રમોશન’ મેળવવું હોય તો તમારાં ઉપરી અધિકારીએ લીધેલા નિર્ણયને ઉત્તમ, અદભૂત અને ઐતિહાસિક ગણાવતા રહો… (…જે-તે ઉપરી અધિકારી સમક્ષ ; જગત સમક્ષ તો સાવ નિખાલસ બનવાની છૂટ છે!) પણ અમેરિકન એફોરિસ્ટ મેસન કૂલીનું એક સ્ટેટમેન્ટ યાદ રાખોઃ તમે કોઇ પણનું અપમાન કરશો અથવા ખુશામતખોરી કરશો, સામેથી એક સવાલ ઊઠશેઃ તમે શું ઇચ્છો છો?
તાત્કાલિક સફળ નેતા બનવા માટે ખુશામતખોરી અત્યંત આવશ્યક એલિમેન્ટ છે. એમાં તમારે ઉપરી નેતાઓની ખુશામતખોરી ફરજિયાત કરવી જ પડે; સાથોસાથ તમારે નીચેના કાર્યકરો જ નહીં, મતદારોની ખુશામતખોરી પણ કરવી પડે. મતદારોથી લઈને મોટા નેતાઓ સુધીના તત્વોના આભાર માનવાની બઘડાટી બોલાવ્યે રાખવી પડે. યાદ રાખો, આ પ્રકારની ખુશામતખોરી નહીં કરવાને કારણે અબ્રાહમ લિંકનને અને ગાંધીજીને પહેલે ધડાકે સફળતા નહોતી મળી. હા, ગાંધી કે લિંકન બનવું હોય તો ખુશામતખોરીના ફોસલામણા પડછાયાથી દૂર રહેવું પડે. ખુશામતખોરીથી દૂર રહેવાથી તમારા પર ‘મહાન’ બની જવાનો ખતરો સદાય ઝળૂંબેલો રહે છે અને મહાન બનવામાં સૌથી મોટી માથાકૂટ રહેતી હોય તો તે એ છે કે તમારે તમારી સાથે સહમત થવાનું અઘરું કામ સહેલાઈથી પતાવતા રહેવું પડે છે. માટે જ મહાન બની જવાથી ડરી ગયેલાં શખ્સો ખુશામતખોરીથી હંમેશા દૂર ભાગે છે, અથવા તો ભાગવાનો દેખાવ કરી રહ્યા હોવાનો દેખીતો દેખાવ કરે છે અને આ દેખીતાપણું દેખીતી રીતે દેખીતું દેખાઈ ન આવે તે માટે પણ તેઓ દેખીતી રીતે દેખાવ કરે છે.
કેટલાક લોકો તો એવી પણ સલાહ આપે છે કે સફળ લગ્નજીવન જીવવું હોય તો પત્નીની ખુશામતખોરી કરો. જો કે ખુશામતખોરી કરનારો માણસ ક્યારેક ખતરનાક ઉલ્ઝનમાં ફસાઇ શકે છે. જોનાથન સ્વિફ્‌ટ કહે છે: “ખુશામતખોરી જેવો ગેરવર્તાવ બીજો એકેય નથી. જો તમે બધાની ખુશામતખોરી કરો તો કોઇને ખુશ કરી શકતા નથી અને જો એકાદ-બેની કરો તો બાકીનાઓની નારાજગી વહોરો છો.”
એક્ચ્યુઅલી, ખુશામતખોરી કેમ કરાય એ લગભગ બધાને આવડતું જ હોય છે. પ્રસંશા કરતા બહુ ઓછા લોકોને આવડતું હોય છે. પ્રસંશા એક માયાવી ચીજ છે… તે ખુદ એક માયા છે. જે રીતે મીઠી મીઠી ચાસણી વિવેકભાનના અભાવે ઝેર બની શકે છે તેમ પ્રસંશા વિવેકભાનના અભાવે ખુશામતખોરી બની શકે છે.
ખુશામતખોરીના ફેન્ટાસ્ટીક ફંદામાં ફસાઈને કરોડો-કરોડો મનુષ્યો કરોડપતિમાંથી રોડપતિ બની ચૂક્યા છે. તો વળી ખુશામતખોરીના જ ‘ફુલલેન્થ’ સહારે કરોડો-કરોડો મનુષ્યો રોડપતિમાંથી કરોડપતિ બની ચૂક્યા છે. કૈસે કૈસે ઐસેવૈસે હો ગયે, ઐસેવૈસે કૈસે કૈસે હો ગયે !!!’ ખુશામતખોરી એક ‘માયાવી માયાજાળ’ છે. કહેવાય છે કે એક શેઠનાં સો વહાણ ડૂબી ગયેલાં; એક યાંત્રિક ખામીના કારણે, નવ્વાણું ખુશામતખોરીના કારણે…
સ્વાભાવિક રીતે જ ખુશામતખોરીના કોઈ કારખાના નથી હોતાં. પાઉચ કે પેકિંગમાં એ વેચાતી મળતી નથી. ખુશામતખોરીની ક્યાંય દાણચોરી પણ થતી નથી કે નથી થતો ક્યાંય કાળાબજાર. ખુશામતખોરી એક એવી ‘વસ્તુ’ છે જે કોઈ વસ્તુ નથી. ખુશામતખોરી એક એવો ‘પદાર્થ’ છે જે કોઈ પદાર્થ નથી. ખુશામતખોરી એક બ્રહ્માંડ વ્યાપી ‘વાયરસ’ છે. ખુશામતખોરીની માયાજાળમાં ફસાયેલા મૃત્યુલોકનાં માનવીઓ તો મોજપૂર્વક મરવા પણ તૈયાર થઈ જાય છે. પણ ખુશામતખોરી એક બ્રહ્માસ્ત્ર છે. ખુશામતખોરી બ્રહ્મને પણ બરબાદ કરી શકે છે. ખુશામતખોરી અમથાલાલને આબાદ કરી શકે છે. જાણીતા અમેરિકન કાર્ટૂનિસ્ટ હેન્ક કેચમ કહે છે: ખુશામતખોરી ચ્યુઈંગમ જેવી છે. એને એન્જોય કરાય પણ ગળી ન જવાય.