તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ દેશે ખુબ આર્થિક અને રાજકીય ઉથલપાથલનો સામનો કરવો પડ્યો છે. દેશમાં મોટા મોટા ફેરફાર આવ્યા છે જેના પગલે અનેક લોકોએ પોતાની નોકરીના સંકટ સામે ઝઝૂમવું પડ્યું છે. હાલમાં જ કઈંક એવી તસવીરો સામે આવી છે જે અફઘાનિસ્તાનની વાસ્તવિકતા દર્શાવે છે.
હામિદ કરઝઈ સરકાર સાથે કામ કરી ચૂકેલા કબીર હકમલે હાલમાં જ ટિવટર પર એક પોસ્ટ કરી જેનાથી જોણવા મળે છે કે દેશમાં કેટલા પ્રતિભાશાળી લોકો ગરીબાઈમાં ધકેલાઈ ગયા છે. હકમલે આવા જ એક અફઘાન પત્રકાર મૂસા મોહમ્મદીની તસવીર શેર કરી. કેપ્શનમાં હકમલે લખ્યું કે મોહમ્મદી અનેક વર્ષોથી મીડિયા ઈન્ડસ્ટ્રીનો ભાગ હતો જો કે અફઘાનિસ્તાનમાં એવી ગંભીર સ્થિતિ છે કે તેમણે હવે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે રસ્તા પર ખાવાનું વેચવું પડે છે.
અત્રે જણાવવાનું કે મૂસા મોહમ્મદીએ અનેક ટીવી ચેનલોમાં એક અેંકર અને રિપોર્ટર તરીકે વર્ષો સુધી કામ કર્યું છે અને હવે તેમની પાસે પરિવારનું ગુજરાન ચલાવવા માટે આવકનો કોઈ સ્ત્રોત નથી તથા હવે તેઓ પૈસા કમાવવા માટે રસ્તા પર ખાવાનું વેચે છે. તાલિબાનનું રાજ આવ્યા બાદ અફઘાનોએ ગરીબીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોહમ્મદીની કહાની હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે. અેંકરની આ કહાની જ્યારે નેશનલ રેડિયો અને ટેલિવિઝનના ઉચ્ચાધિકારીઓ સુધી પહોંચી તો ત્યાંના ડાઈરેક્ટર અહમદુલ્લા વાસીકે ટ્‌વીટ કરીને કહ્યું કે તેઓ પૂર્વ ટીવી અેંકર અને રિપોર્ટરને પોતાની ઓફિસમાં કામ આપશે.
નોંધનીય છે કે જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે ત્યારથી દેશ એક માનવીય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. તાલિબાને છેલ્લા કેટલાક મહિનામાં અનેક પત્રકારો, ખાસ કરીને મહિલાઓએ પોતાની નોકરી ગુમાવી. આ સાથે મીડિયા આઉટલેટ્‌સ ઉપર પણ નકેલ કસી છે.