છત્તીસગઢના જશપુર જિલ્લામાં સરકારી સહાયતા પ્રાપ્ત આશ્રય ગૃહમાં એક સગીર બળાત્કાર પીડિતાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પોલીસ અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે છોકરી ૧૪ વર્ષની હતી. જશપુર સિટી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક આશ્રય ગૃહના શૌચાલયની અંદરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે માહિતી મળતાં જ પોલીસ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. બાદમાં પોલીસ ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે છોકરીની ફરિયાદ બાદ, આ મહિને કોતવાલી પોલીસ સ્ટેશનમાં એક સગીર છોકરા વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં છોકરીને શેલ્ટર હોમમાં મોકલી દેવામાં આવી. તેમણે કહ્યું કે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
સગીરાએ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. સગીરાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે જ ગામના એક સગીર છોકરાએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. છોકરીએ કહ્યું કે છોકરો ૧૫ વર્ષનો છે. પીડિતાએ જણાવ્યું કે તેની માતાનું અવસાન થયું છે. જ્યારે તેના પિતાની માનસિક સ્થિતિ સારી નથી. આ કારણોસર તે હોસ્ટેલમાં રહેતી હતી. તે જ સમયે, પોલીસનું કહેવું છે કે સગીરનું તબીબી પરીક્ષણ કરાવવાનું હતું પરંતુ તેણે આત્મહત્યા કરી લીધી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આત્મહત્યાનું કારણ બહાર આવ્યું નથી. સગીર છોકરી પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સગીર છોકરી એકલી જશપુર શહેર પહોંચી ગઈ હતી પણ કયા સંજાગોમાં તેણે આત્મહત્યા જેવું પગલું ભરવું પડ્યું? પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. બળાત્કારના આરોપી સગીરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પૂછપરછ બાદ તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે.