કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે દેશમાં એક સાથે ચૂંટણી એટલે કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટેના બિલને મંજૂરી આપી દીધી છે. તેમજ હવે સરકાર લોકસભામાં આને લગતા બે બિલ રજૂ કરવા જઈ રહી છે. સરકારે આ બિલનો ડ્રાફ્ટ લોકસભાના સભ્યોને મોકલી આપ્યો છે. એવું માનવામાં આવે છે કે સરકાર સોમવારે આ બંને બિલને લોકસભામાં રજૂ કરી શકે છે.
આ બિલ દ્વારા બંધારણમાં બે મુખ્ય ફેરફારો કરવામાં આવનારા છે. આનાથી ૧૨૯મો બંધારણીય સુધારો થશે અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી અને જમ્મુ અને કાશ્મીરના કાયદાઓમાં ફેરફાર થશે. સરકાર એક દેશ, એક ચૂંટણી સાથે સંબંધિત જે બે બિલ લાવવા જઈ રહી છે તેનું નામ છે કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ, ૨૦૨૪ અને બંધારણ (એકસો અને ૨૯મો સુધારો) બિલ, ૨૦૨૪.
સરકાર આવતા અઠવાડિયે સંસદમાં આ સંબંધિત બિલ રજૂ કરીને બંધારણના ચાર અનુચ્છેદમાં સુધારાનો પ્રસ્તાવ મૂકશે. આ ચાર કલમો ૮૨છ, ૮૩, ૧૭૨ અને ૩૨૭ છે. બંધારણ સુધારા વિધેયકમાં નવી કલમ ૮૨છ (લોકસભા અને તમામ વિધાનસભાઓની એક સાથે ચૂંટણી) અને કલમ ૮૩ (સંસદના ગૃહોનો કાર્યકાળ), કલમ ૧૭૨ (રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ) અને કલમ ૩૨૭ (પ્રસ્તાવના)માં સુધારાનો સમાવેશ થાય છે. બંધારણના અનુચ્છેદ ૩૨૭માં, ‘વિભાગોનું સીમાંકન’ શબ્દોને ‘એકસાથે ચૂંટણી યોજવી’ શબ્દો દ્વારા બદલવામાં આવશે.
સરકારે એકસાથે ચૂંટણી યોજવા માટે કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર અધિનિયમ, ૧૯૬૩ની કલમ ૫ અને ગવર્નમેન્ટ આૅફ કેપિટલ ટેરિટરી આૅફ દિલ્હી એક્ટ, ૧૯૯૧ની કલમ ૫માં સુધારો કરવાની દરખાસ્ત કરી છે.જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૧૭ માં પણ સુધારો કરવામાં આવશે જેથી લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજી શકાય. આ બિલમાં ૨૦૩૪ પછી એકસાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ છે.
સરકારે કહ્યું કે વર્ષ ૧૯૫૧-૫૨, ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭માં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની સામાન્ય ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી. જો કે,૧૯૬૮ અને ૧૯૬૯ માં, કેટલીક વિધાનસભાઓના અકાળ વિસર્જનને કારણે લોકસભાની એક સાથે ચૂંટણીઓ યોજવાનું ચક્ર વિક્ષેપિત થયું હતું.એકસાથે ચૂંટણી યોજવા માટે ૨ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. વિચાર-વિમર્શ અને તપાસ પછી સમિતિએ ૧૪ માર્ચ, ૨૦૨૪ ના રોજ રાષ્ટ્રપતિને એક સાથે ચૂંટણી યોજવા માટે તેની ભલામણો સુપરત કરી.
વાસ્તવમાં, પાર્ટીના ૨૦૧૪ અને ૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં એક સાથે ચૂંટણી યોજવાની વાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજેપી અન્ય પક્ષો સાથે પરામર્શ કરીને વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે યોજવાની રીત વિકસાવવાનો પ્રયાસ કરશે. આ રાજકીય પક્ષો અને સરકાર બંને માટે ચૂંટણી ખર્ચ ઘટાડવા ઉપરાંત રાજ્ય સરકારો માટે અમુક અંશે સ્થિરતા સુનિશ્ચિત કરશે.