વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૃથ્વીમાતાને હરિયાળા વૃક્ષોથી આચ્છાદિત કરીને પર્યાવરણ જાળવણી અને આપણી જીવનદાત્રી માતાની સ્મૃતિ જોડવાની પ્રેરણા સાથે “એક પેડ માં કે નામ વૃક્ષારોપણ અભિયાનની દેશવ્યાપી શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન, ૨૦૨૪થી કરાવી છે.
વડાપ્રધાનએ દેશવાસીઓને પોતાની માતાઓ માટેના પ્રેમ, આદર અને સન્માનના પ્રતિકરૂપે એક વૃક્ષ વાવવા અને ધરતી માતાનું ગ્રીન કવર વધારવા ૨૦૨૪ના વિશ્વ પર્યાવરણ દિવસે આહવાન કર્યું હતું. આ અભિયાનને પાંચ જૂન, ૨૦૨૫ના એક વર્ષ પૂર્ણ થવાનું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વયં નવી દિલ્હીમાં બુદ્ધ જયંતી પાર્કમાં પીપળાના વૃક્ષના વાવેતરથી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
“એક પેડ માં કે નામ” અંતર્ગત સમગ્ર દેશમાં ૧૪૦ કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. દેશભરમાં વ્યક્તિઓ, સંસ્થાઓ, સમુદાય આધારિત સંસ્થાઓ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ લોકભાગીદારી જોડીને આ અભિયાનને જન આંદોલન બનાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતે “એક પેડ માં કે નામ” અભિયાનમાં ૧૭ કરોડ ૪૮ લાખ રોપાના વાવેતરથી દેશના રાજ્યોમાં આ અભિયાનની લક્ષ્યાંક સિદ્ધિમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા આ “એક પેડ માં કે નામ” અભિયાનમાં સમગ્ર ગુજરાતે વ્યાપક પ્રતિસાદ આપીને શહેરી વિસ્તારમાં ૧૫.૭૨ કરોડ તથા ગ્રામ્ય ક્ષેત્રોમાં ૧.૭૬ કરોડ રોપાઓનું વાવેતર જનશક્તિને જોડીને કર્યું છે. કચ્છ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત સૌથી વધુ ૨ કરોડ ૯૫ લાખ રોપા વાવવામાં આવ્યા છે.આ અભિયાનની દેશવ્યાપી પ્રગતિનું નિરીક્ષણ “મેરી લાઈફ” પોર્ટલ દ્વારા થાય છે. આ હેતુસર વૃક્ષારોપણના જીઓ ટેગ કરેલા ફોટા અને વિડીયો અપલોડ કરવામાં આવે છે. ગુજરાત દ્વારા આવા ૧૭ કરોડ ૪૮ લાખ ૩૪ હજાર ૮૨૦ છોડ-રોપા ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં ૨૦૨૪માં ૭૫માં વન મહોત્સવ અન્વયે ૫૫૦૦ ગામડાઓમાં માતૃવન ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વન કવચ યોજના તહેત મિયાવાકી પદ્ધતિથી કુલ ૧૦ હજાર રોપાઓનું ૧ઠ૧ મીટરના અંતરે વાવેતર કરીને ૨૦૨૪-૨૫ના વર્ષમાં ૨૦૦ હેક્ટર વિસ્તારમાં ૧૨૨ વન કવચ તૈયાર કરવામાં આવેલા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર વન મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં વન વિભાગે આ વર્ષે “એક પેડ માં કે નામ ૨.૦” અંતર્ગત ૨૦૨૫-૨૬ના વર્ષ દરમિયાન શહેરો-ગામો મળીને કુલ ૪૨૫ હેક્ટર વિસ્તારમાં માતૃવન- વન કવચ નિર્માણ પર ફોકસ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને ભારતીય સેનાના જવાનોના શૌર્યથી સફળ થયેલા “ઓપરેશન સિંદૂર”ની સ્મૃતિ લોકોમાં સદા જીવંત રાખવા ગુરૂવાર, પાંચમી જૂન ૨૦૨૫ના વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મિશન ૪ મિલિયન ટ્રીઝ—૨૦૨૫ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સિંદૂર વન નિર્માણનો પ્રારંભ થશે.આ હેતુસર, અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વિસ્તારમાં જગતપુર બ્રિજ પાસેના પ્લોટમાં ૫ હજાર ચોરસ મીટર જગ્યામાં સિંદૂરના ૫૫૧ વૃક્ષોના સિંદૂર વન સહિત ૧૨ હજાર વૃક્ષો સાથેનો ઓક્સિજન પાર્ક ઉભો કરવામાં આવશે.







































