સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરને નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરના ઉત્પાદન અને નિકાસમાં ગુજરાત મહત્તમ ફાળો આપી શકે તેમજ નાળિયેરના વાવેતરથી ખેડૂતો મહત્તમ આવક મેળવી શકે તેવા ઉમદા આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર નાળિયેરીના ઉત્પાદનને પુષ્કળ પ્રોત્સાહન આપી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે નાળિયેર દિવસના સંદર્ભે વાત કરતા જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નાળિયેરી વિકાસની સુવર્ણ કેડી કંડારી હતી. છેલ્લા એક દાયકામાં જ નાળિયેરીના વાવેતર વિસ્તારમાં ૪,૯૦૦ હેક્ટરનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં નાળિયેરનો વાવેતર વિસ્તાર ૨૧,૬૩૩ હેક્ટર હતો, જે વર્ષ ૨૦૨૩-૨૪માં વધીને ૨૬,૫૬૧ હેક્ટર સુધી પહોંચ્યો છે. અત્યારે ગુજરાતમાં લીલા નાળિયેરનું (ત્રોફાનું) વાર્ષિક ઉત્પાદન ૨૩.૬૦ કરોડ યુનિટથી વધુ છે. હાલ ગુજરાતમાં નાળિયેરનું ઉત્પાદન મુખ્યત્વે ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થાય છે. દરિયાકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ નાળિયેરીનું ઉત્પાદન વધે તે માટે નાળિયેરીના ઉત્પાદનને પૂરતું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.