છેલ્લા એકાદ માસથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડુતોએ વાવેલા મહામુલા પાકોને નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે. તો બીજી તરફ ઉગતા પાકને જરૂરી એવા યુરિયા ખાતરની જિલ્લાભરમાં તંગી ઉભી થઈ છે. જેના કારણે ગ્જગતના તાતને બેવડો માર સહન કરવો પડી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે મોટા ભાગની મોલાતને પાણી લાગ્યું હોય વાવણી નિષ્ફળ જવાની શક્યતા છે. અને ખેડૂતોને ફરી વખત વાવણી કરવી પડે તેવી પરીસ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ આજે રાજુલા, જાફરાબાદમાં ખેડૂતોએ યુરિયા ખાતર માટે રાજુલા માર્કેટીંગ યાર્ડમાં લાંબી લાઈનો લગાવી હતી. પરંતુ તેઓને ખાતરના બદલે ફકત ધક્કા થઈ રહ્યા છે. યુરિયા ખાતર નહી મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ રાજયના કૃષિમંત્રી સહિતના આગેવાનો ગાઈ વગાડીને કહી રહ્યા છે કે રાજયમાં યુરિયા ખાતરનો પુરતો જથ્થો છે અને કયાંય પણ તંગી ઉભી નહી થવા દેવાય તો બીજી તરફ જિલ્લાના તમામ તાલુકામાં યુરિયા ખાતર માટે ખેડૂતોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. જા યુરિયા ખાતરનો પુરતો જથ્થો હોય તો ખેડૂતોને શા માટે ધક્કા ખાવા પડે છે ? એ પણ એક પ્રશ્ન ઉભો થયો છે. ખેતીના પાકોને જરૂરીયાતના સમયે યુરિયા ખાતર નહી મળે તો જિલ્લામાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થશે. એક તરફ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સરકારમાં રજુઆત કરી આશ્વાસન આપી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતો ચાલુ વરસાદે યુરિયા માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે.