ઉત્તરાખંડમાં ચારધામ દરમિયાન યમુનોત્રી જવાના માર્ગ પર બસ અકસ્માતમાં ૨૬ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આમાં મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાંથી ૨૫ શ્રદ્ધાળુઓ હતા. મંગળવારે તમામ શ્રદ્ધાળુઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં ૯ દંપતી હતા, જેમના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં ૮ લોકો સાંટા, ૨ પવઇ, ૨ સિમરિયા, ૧ ચીખલા, ૪ મોહન્દ્રા, ૨ કુંવરપુર, ૨ કોની, ૧ કકરહટા, ૨ ઉડલા ગામના રહેવાસી હતા.
સૌથી હૃદયસ્પર્શી દ્રશ્ય સિમરિયા વિસ્તારના બુદ્ધસિંહ સાટાનું છે. અહીં ૮ લોકોના મોતથી શોક છવાયો છે. મંગળવારે સવારે ૮ વાગે જેવી જ દ્વિવેદી પરિવારની એક સાથે ૬ નનામી નીકળતા જ દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. જે બાળકોએ તેમના માતા અને ઘરનો આધાર પિતા ગુમાવ્યા છે, તેઓ આઘાતમાં સરી પડ્યા છે. સાટાના દ્વિવેદી પરિવારના ત્રણ દંપતિનાં પણ અંતિમ સંસ્કાર કરાયા હતા. ત્રણેય દંપતિની ચિતાઓ એકસાથે સળગી હતી.
બુદ્ધ સિંહ સાટા ગામના યોગેશ દ્વિવેદીએ જણાવ્યું કે સૌ પ્રથમ ગ્રામવાસીઓએ ડા. સાહેબ રાજોરામ સિંહ, તેમની પત્ની ગીતા સિંહને શ્રદ્ધાંજલિ આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પછી સોનાર બેરમા નદીના સંગમ પાસે દ્વિવેદી પરિવારની ૬ નનામી લઈને મુક્તિધામ પહોંચ્યા હતા અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વેદ નારાયણે જણાવ્યું કે ૬ લોકો માટે ચાર ચિતા બનાવવામાં આવી હતી. પ્રથમ ચિતામાં દિનેશ પ્રસાદ દ્વિવેદી, પત્ની પ્રભા દ્વિવેદી, બીજી ચિતામાં તેમની માતા, ત્રીજી ચિતામાં પિતરાઈ ભાઈ હરિ નારાયણ દ્વિવેદી, તેમના પત્ની હરિબાઈ, ચોથી ચિતામાં ભાઈ રૂપનારાયણને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
મોટી આશા સાથે બાળકોએ તેમના સ્વજનોને તીર્થયાત્રાએ મોકલ્યા હતા. તેમાંના કેટલાકના માતાપિતા હતા, કેટલાકના મોટા ભાઈ-ભાભી હતા. તેમને ખબર નહોતી કે આ તેમની છેલ્લી યાત્રા હશે. કોઈ ઉધાર લઈને ગયા હતા તો કોઈ માટે ગામના લોકોએ દાન મેળવ્યું હતું. હવે ચારેય તરફ માત્ર પીડા જ છે, આંસુ અને શોક છવોયો છે…
શ્રદ્ધાળુઓના પાર્થિવદેહ સોમવારે સાંજે લગભગ ૭.૩૦ વાગે એરફોર્સનાં વિમાનમાં ખજુરાહો એરપોર્ટ લવાયા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માએ અહીંથી મૃતદેહોને જુદા-જુદા વાહનોમાં ૯ ગામોમાં રવાના કરાવ્યા હતા. આ દુર્ઘટનામાં ઘણાં પરિવારોના માથા પરથી વડીલ-વૃધ્ધોનો હાથ છીનવાઈ ગયો છે. તમામ મૃતકો પવઈ વિધાનસભાના ૯ ગામના રહેવાસી હતા. હવે આ ગામમાં સુમસામ છવાયું છે. દરેક ઘરમાં એક દુખભરી કહાની છે.
એક સાથે ૮ લોકોના મોતના કારણે સાટામાં શોકનો માહોલ છવાયો હતો. અહીં ગામના મોટાભાગના ઘરોમાં દિવસમાં ચુલો પણ સળગ્યો ન હતો. ફુલ્લા વર્મનના ઘરે પુત્રની જોનની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ લગ્ન અંગે ઘરમાં પણ કોઈ ઉત્સાહ દેખાતો નહોતો. બેન્ડવાજો વીના જ પુત્રની જોન લઈ જવામાં આવી હતી.કોઇ પણ પ્રકારની ઉજવણી કરાઇ ન હતી.