આરતી થેલો તૈયાર કરી રહી હતી અને અલકેશ પલંગ પર બેઠો બેઠો તેને અનિમેષ તાકી રહ્યો હતો. પતિની દરેક હિલચાસ આરતીના ધ્યાન બહાર નહોતી છતાં તેને પૂછવું ગમ્યું: “કયારનાય મને શું તાકી રહ્યા છો ? કશું કહેવું છે ? ” જવાબમાં અલકેશે આરતીને ફીલ થાય એવડો મોટો નિઃશ્વાસ નાખીને કહ્યું: “કહેવું તો ઘણું છે પણ આપ માનશો નહીં એવો વિશ્વાસ છે !” તેણે ચહેરા ઉપર કરૂણતા વહેવા દીધી. આરતી શ્વાસ અથડાય એટલી નજીક સરી, તેના માથામાં હાથ ફેરવતા કહ્યું: “ તમે આમ સાવ લટકેલું મોઢું લઇને બેસી ગયા છો તે હું કાંઇ કાયમ માટે મારા પપ્પાને ત્યાં નથી જતી રહેવાની ! પંદર દિવસનો સવાલ છે. અને તમે જ કહો, કેટલા વરસે જાઉ છું ? પૂરા બે-અઢી વરસે ! આપણી કાવ્યા પણ પાંચ વર્ષની થઇ ગઇ. વાતવાતમાં એ પણ મને પૂછે છે: મમ્મી, મામાનું ઘર કયાં હોય ? મેં તો કદિ જાયું જ નથી.” અલકેશની ટ્રીમ કરેલી દાઢી ઉપર ફરતો ફરતો આરતીનો હાથ અટકયો અને તેના સ્વરમાં થોડી ભીનાશ ભળી: “તમારૂં તો કશું ઠેકાણું હોય નહીં. કયારે બેંગ્લોર, પૂના કે હૈદરાબાદ જવાનું થાય અને જવાનું થાય ત્યારે એક એક વીક ત્યાં કંપનીના કામે રોકાવું પડે, ત્યારે હું એકલી એકલી બોરીંગ થઇ જાઉ છું. અમથુંય મમ્મી-પપ્પાનો છેલ્લે ફોન હતો ત્યારે ખૂબ જ આગ્રહ કરતા હતા. એટલે પછી નક્કી કર્યું.”
“ઇટ્‌સ ઓકે માય હાર્ટ ! પણ આજ નહીં.”
“કેમ આજ નહીં ? અમદાવાદ ટ્રેનની ટીકિટ તો તમે બુક કરાવી નાખી છે ને ? ”
“એ કેન્સલ કરાવીને કાલની તત્કાલમાં લઈ લઉ છું પણ આજ ન જા. આજે અમાસ છે, અમાસને દિવસે પતિ-પત્ની જુદા ન પડે, તું આજ જઇશ તો કાયમને માટે મારી જિંદગીમાં અમાસ આવી જશે એવો મને ડર છે, ડીયર, હું શુકન-અપશુકનમાં બહુ માનુ છું.”
“ઓહોહો…” પતિની વાત સાંભળીને આરતીમાં ઉર્મિનો ઉછાળો આવ્યો અને પતિના ગાલે વહાલથી ચૂંબન ચોડી દીધું… પણ એ બિચારીને કયાં ખબર હતી કે….?
—-
અજવાળી એકમને દિવસે સવારે જ પત્નીને વળાવીને સાંજે અલકેશ જાબ પુરી કરીને કરિશ્માનાં ફ્લેટે આવ્યો ત્યારે કામણની કાયનાત જેવી કરિશ્મા તેને સત્કારવા ઊભી જ હતી. એ અંદર ગયો કે કરિશ્માએ બારણું બંધ કરી દીધું. ચુસ્ત પૌરૂષી આલિંગનમાં પોતાની પ્રેમિકાને ભીંસી દેતા એ બોલ્યો : “ આજથી રોજ રાતે મારી જિંદગીમાં પ્રેમનો ચાંદ ઉગશે અને હું તેના રૂપની ચાંદની અહર્નિશ ઘૂંટડે ઘૂંટડે પીધા કરીશ.
“પહેલા મને છોડો, પછી બધી વાતો કરીએ.” પ્રેમીની ભીંસમાંથી પોતાના કોમળ અંગોને છોડાવવા મથતી કરિશ્મા, છટપટાતી બોલી: “આજથી બધી જ રાતો તે મારા નામે જ કરી દીધી છે તો પછી આટલો બધો અથરો શું થાય છે ? જરાક જંપ લેને ? હું નથી કયાંય ભાગી જવાની….” જવાબમાં અલકેશે કરિશ્માના કોમળ ગાલ ઉપર લવ બાઇટ કરી લીધું અને કરિશ્માએ વહાલથી ચીસ પાડી ઉઠતા અલકેશને ધક્કો મારતા છણકો કર્યો “સાલ્લા જાનવર!!” તે દિવસની રાત રમખાણ બનીને ઉતરી આવી અને હવે પછીની દરેક રાત્રીઓ એમ જ પસાર થવાની હતી.
—–
કાવ્યા વખતે પિયર અમદાવાદ ડીલિવરી કરવા ગઇ ત્યારે એકલતામાં ઝૂરતા અલકેશને કરિશ્મા મળી ગઇ, અલકેશ પહેલા જે કંપનીમાં નોકરી કરતો હતો ત્યાં જ કરિશ્મા જાબ કરતી. એક દિવસ ધોધમાર વરસાદમાં બસસ્ટોપ ઉપર ઊભેલી કરિશ્માને જાઇ અલકેશે ગાડી થોભાવી. કરિશ્માના માતા-પિતા ગામડે રહેતા અને અહી પોતે પી.જી. માં રહેતી. વૃધ્ધ માતા-પિતાનો એકમાત્ર સહારો કરિશ્મા પગારમાંથી પૈસા બચાવીને ગામડે પૈસા મોકલતી. તે દિવસે સંકોચાઇને કારમાં બેઠેલી કરિશ્માને અલકેશે જ આત્મવિશ્વાસનાં પાઠ શિખવ્યા. તેની અંદર રહેલી ઇન્ફયારીટી કોમ્પ્લેક્સ તોડી, દોસ્તીનો હાથ લંબાવ્યો. હાલમાં પોતે તો એકલો જ હતો. એ દોસ્તી કયારે પ્યારમાં પલટાઇ ગઇ ખબર જ ન રહી. એક રાત્રે કરિશ્માને પોતાના ફલેટ ઉપર લાવ્યો. રાત વરસાદી હતી, વીજળીના કડાકા ભડાકા અને અનરાધાર વરસાદ ! કરિશ્મા ડરી જઇને અલકેશની છાતીમાં લપાઇ ગઈ. અલકેશનો પૌરૂષી સ્પર્શ તેને અંગાગોમાં ગુદગુદી કરી રહ્યો. તેને પંપાળતા પંપાળતા અલકેશે કહ્યું ઃ આજે તું તારી પી.જી. હોસ્ટેલમાં નહી જઇ શકે તો વાંધો નહીં ને ? ” જવાબમાં અલકેશની છાતીની ડાબી સાઇડમાં મોઢું રગડતી કરિશ્માએ કહ્યું ઃ “મારૂ ઘર આની અંદર છે !!” તે દિવસની રાતે કરિશ્માની કાયાનો મોગરો મહેંકી ઉઠયો અને મહેંકી ઉઠી અલકેશની શુષ્ક લાઇફ પણ ! અલકેશે સારા પગારને કારણે કંપની તો ચેન્જ કરી પણ કરિશ્મા તેના દિલની અંદર જ રહી. આરતી પત્ની હતી કરિશ્મા પ્રેયસી હતી. કરિશ્માને તેણે પત્ની જેટલું જ સુખ અને સલામતી આપી. હવે તેણે કરિશ્માને સરસ મજાનો કિંમતી પોશ એરિયામાં ફલેટ લઇ દીધો હતો અને જયારે તેને મળવાનું મન થાય ત્યારે જાબના બહાને કરિશ્મા પાસે થાક ઉતારી રિચાર્જ થઇ આવતો !
આજથી આખી રાતો કોઇપણ ટેન્શન વગર ગુજારવાની હતી પણ બીજા જ દિવસથી કાવ્યાના ફોન આવવાના શરૂ થઇ ગયા હતા: “પપ્પા, તમારા વગર ગમતું નથી તમે કયારે તેડવા આવશો ? ” જવાબમાં તે વહાલી દીકરીને ફોસલાવતો. એટલે કાવ્યા છાની રહી જતી. એનાથી થોડો ‘અપસેટ’ થઇ ગયો હતો એટલે આજે આઠમે દિવસે, નાના બાળકની જેમ પોતાની સમીપ ખેંચી લઇ, અલકેશને પોતાના હૈયા સાથે સંગોપતા કરિશ્માએ પૂછયું: “ કેમ સાજણ તમે મુડલેસ છો આજે ? મારાથી પ્રેમમાં કયાંય અધૂરપ લાગી? ”
“અરે ના ગાંડી ! આ મારી કાવ્યાડી રડે છે એનાથી વિચલિત થઇ જાઉં છું.”
“હા યાર, એ તો થાય જ ને પણ તારી આરતુડી તો ઓકે છે ને ? એ તો પંદર દિવસ પૂરા કરશેને ? ”
“હા હા… એ તો આટલાં સમયથી ગઇ છે તે પૂરા કરશે જ ને ? ” કહેતા અલકેશે કરિશ્માના કમનીય વળાંકો ઉપર ટપલી મારતા કહ્યું: “એને મારી જમવાની ખૂબ ચિંતા હોય. પણ અહીં હું ભરપેટ ભોજન પામું છું. એનો તો એ બિચાડીને અંદેશો પણ કયાંથી હોય ?! કહેતા એણે કરિશ્માની પીઠમાં ચૂંટિયો ખણ્યો. “લુચ્ચો સાલો….” કરતા અલકેશના ખડખડાટ હાસ્યમાં કરિશ્માએ પોતાનો સૂર પણ રેલાવ્યો પણ ચૌદમે દિવસે સવારમાં સાડા દસે જ મોબાઇલમાં એલાર્મ બજયું. અલકેશે ફોન ઉપાડયો કે આરતીએ કહ્યું: “હવે આજ સાંજે અમને તેડવા માટે નીકળી જ જાવ. કાવ્યાબેનને તમારા વગર ગમતું નથી. એના મામા અને મામી તેને રોજ ફરવા લઇ જાય છે પણ તેને તો હવે પપ્પા જ જાઇએ. એટલે આજ સાંજની ગુજરાત એક્સપ્રેસ પકડી લો.”
દસ મિનિટ પછી અરતીનો ફોન ગૂંજ્યો. અલકેશે કહ્યું: “ગુજરાતમાં જ ટિકીટ કન્ફર્મ થઇ ગઇ છે. સાંજે પાંચ વાગ્યે નીકળું છું. વહેલી સવારે પહોંચી જઇશ.” પણ વહેલી સવારે અલકેશ પહોંચે એ પહેલા રાતના દસ વાગ્યે ટી.વી. બોલતું હતું: “મુંબઇથી નીકળેલી સાંજની પાંચ વાગ્યાની “ગુજરાત એક્સ્પ્રેસ” ટ્રેનને નડ્યો અકસ્માત. પુલ ઉપરથી નીચે ખાબકતા ટ્રેનમાં સવાર કંઇ કેટલાયે મુસાફરોના મૃત્યુ અને વહેતી નદીમાં લાપતા !! સમાચાર સાંભળીને સૌ કોઇ હચમચી ઉઠયા.
આરતી શૂન્યમનસ્ક બની ગઇ જાણે, કારણ કે, પતિનો મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો. પડોશમાંથી તો કોઇ સંતોષકારક જવાબ મળ્યો નહીં.
“હે ભગવાન!!” આરતી હાથ જાડીને માતાજીની છબી આગળ ઢગલો થઇને તૂટી પડી: “મા, મારૂં સૌભાગ્ય અખંડ રાખજે…..”
મેહુલ અને તેના મિત્રો ઘટના સ્થળે દોડી ગયા પણ બધે જ અફડાતફડી મચેલી હતી. તંત્ર પાસે કોઇ જવાબ નહોતો. કોણે કોને ભાળ આપે ? અજંપાભરી રાત પસાર થઈ કે બીજા દિવસની બપોરે બે વાગ્યે અલકેશે સસરાના આંગણામાં પગ મૂક્યો. કાવ્યા તેને જાઇ ગઇ. એ ચીસ પાડીને દોડી ઃ “મમ્મી, પપ્પા આવી ગયા. ” વાજાવાજ આરતી અને ઘરના સભ્યો તથા આડોશી-પાડોશી પણ દોડી આવ્યા.
અલકેશે દીકરીને વહાલથી ઊંચકી લીધી તો આરતીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેતા હતા. “તમે ?… તમે હેમખેમ છો ? તમે ટ્રેનમાં નહોતા ? આંસુભરી આંખે આરતી પૂછતી હતી.
અલકેશે પત્નીના બરડે હાથ ફેરવતા કહ્યું: “આરતી, હું નીકળતો હતો ત્યાં બોસનો ફોન આવ્યો. ઓફિસમાં એક સોફ્ટવેર બગડી ગયું હતું તેને રિપેર કરવાનું હતું. આખી રાત જાગવું પડયું ત્યારે ઠીક થયું. આજ સવારે મારા એક ફ્રેન્ડને કાર લઈને અમદાવાદ આવવાનું હતું તો તેની સાથે જ નીકળી અત્યારે જા, તારી નજર સામે જ ઊભો છું. ”
“માતાજીએ મારા ચૂડી ચાંદલો અખંડ રાખ્યા. ” પતિને વીંટળાઇ પડતી આરતી કહી રહી હતી: “મારૂ મન કહેતું હતું કે તમે જ્યાં છો ત્યાં સલામત જ છો. મારી શ્રધ્ધા સાચી ઠરી.” ત્યાં જ પાડોશમાં રહેતા આખાબોલા વિજુમાસી અલકેશને ઉદ્દેશીને બોલ્યા: “જમાઇરાજા, તમારૂં કરમ પણ અમારી દીકરીનો ધરમ ફળ્યો છે હોં કે તમને મોતના મુખમાંથી એ પાછા લાવી છે. વ્રત, જપ, તપ, એકટાણા, ઉપવાસ, પૂજાપાઠ…. કેટલું બધું કરે છે બોલો, એ તમારી આયુષ્ય અને આવરદા માટે જ ને ?અમારી આરતુ તો સતી સાવિત્રી છે બાપા ! ”
વીજુમાસીની વાત સાંભળતા અલકેશ વિચાર કરતો થઇ ગયો કે કોની પૂજા ચડી એ જ સમજાતું નથી. પત્નીની કે પ્રેમિકાની ? ગઇકાલે સાંજે ચાર વાગ્યે તેણે કરિશ્માને ફોન કરીને જાણ કરી કે પોતે આરતીને તેડવા હમણા પાંચની ટ્રેનમાં નીકળે છે કે, કરિશ્માએ ફટ કરતી ના પાડી દીધી: “ના, આજ નહીં જવા દઉં તને. આજ પૂનમ છે, પ્રેમની પૂનમ! અને પૂનમને દિવસે ચાંદ અને ચકોરી છૂટા પડે ? મારા પ્રિયતમ અજવાળિયાની એકમથી પૂનમના પંદર દિવસનું પ્રેમનું અનુષ્ઠાન અધૂરૂં નથી રાખવું હોં ! હવે આજના ચંદ્રને પૂરેપૂરો ખીલવા દેજે. શુકન-અપશુકનમાં માનતો હો તો ચંદ્રની એક કળા ઊઘડયા વગર જ તારે પ્રેમયજ્ઞની પૂર્ણાહુતિ કરી નાખવી છે ? ”
અલકેશને સમજાયું નહીં કે કોના પૂણ્યે હું બચી ગયો ? તેણે આકાશ સામે જાયું. કાવ્યાને નીચે ઉતારી, હવે ભગવાન સામે બે હાથ જાડવા સિવાય ત્રીજા વિકલ્પ નહોતો !!