અમરેલી શહેરના ચિત્તલ રોડ પરની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેણાક મકાનની બહાર જાહેરમાં એક્સપાયર થયેલ દવાનો મોટો જથ્થો ફેંકવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી પ્રસરી છે. લોકોમાં ચર્ચા છે કે, અહીંના એક રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે દવાઓનું ગોડાઉન બનાવવામાં આવેલ છે અને મોટાપાયે એક્સપાયર થયેલ દવાનો જથ્થો ઘરની બહાર શેરીમાં જ ફેંકી દેવાયો છે. જેના કારણે પશુ-પક્ષીઓના આરોગ્ય પર ખતરો મંડરાઇ રહ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ જથ્થો સરકારી દવાનો છે. ત્યારે લોકોને જરૂરી દવાઓ વિનામૂલ્યે મળી રહે તે માટે સરકાર દ્વારા જથ્થો પૂરો પાડવામાં આવે છે પરંતુ આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે આટલો મોટો દવાનો જથ્થો એક્સપાયર થયો છે અને તે જાહેરમાં ફેંકવામાં આવ્યો છે. દવાઓના જથ્થામાં પેરાસીટામોલ, ઓઆરએસ સહિતની કિંમતી દવાઓ જાવા મળી હતી. જો કે, આ પાછળ કોણ જવાબદાર છે તે અંગે તંત્ર દ્વારા હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. લોકોમાં એવી પણ ફરિયાદ સાંભળવા મળી હતી કે, સરકારી અધિકારીઓની બેદરકારીથી દવાનો જથ્થો બારોબાર સગેવગે થઇ રહ્યો છે.