(એ.આર.એલ),મુંબઇ,તા.૨૯
મહારાષ્ટ વિધાનસભા ચુંટણી માટે અત્યાર સુધી ટિકિટને લઈને રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. દરમિયાન શિવસેનાના ધારાસભ્ય શ્રીનિવાસ વનગાએ કહ્યું છે કે તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેનું સમર્થન કરીને ભૂલ કરી છે. ચૂંટણી માટે ટિકિટ ન મળવાથી નારાજ પાલઘરથી શિવસેનાના વિધાનસભ્ય શ્રીનિવાસ વનગાએ કહ્યું છે કે તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેનું સમર્થન કરીને અને તેમની પાર્ટીમાં જાડાઈને ‘મોટી ભૂલ’ કરી છે.ભારતીય જનતા પાર્ટીના દિવંગત સાંસદ ચિંતામન વનગાના પુત્ર શ્રીનિવાસ, ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં અવિભાજિત શિવસેનાના ઉમેદવાર તરીકે પાલઘર (અનુસૂચિત જનજાતિ) બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા હતા. શિવસેનાના વિભાજન બાદ શ્રીનિવાસ વનગાએ એકનાથ શિંદેને સમર્થન આપ્યું હતું. તેમને આશા હતી કે પાર્ટી તેમને ફરીથી આ બેઠક પરથી ઉમેદવાર બનાવશે, પરંતુ પાર્ટીએ પૂર્વ સાંસદ રાજેન્દ્ર ગાવિતને ટિકિટ આપી. રાજેન્દ્રએ જૂન ૨૦૨૨માં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ સામે બળવો દરમિયાન એકનાથ શિંદેને પણ ટેકો આપ્યો હતો. રવિવારે જાહેર કરાયેલા ૨૦ ઉમેદવારોની યાદી અનુસાર શિવસેનાએ પાલઘર વિધાનસભા બેઠક પરથી રાજેન્દ્ર ગાવિતને મેદાનમાં ઉતાર્યા છે.પાર્ટીએ ઉમેદવાર ન ઉતારવાથી નારાજ શ્રીનિવાસ વનગાએ પત્રકારોને કહ્યું, ‘મેં શિંદેના નેતૃત્વવાળા જૂથમાં જાડાઈને મોટી ભૂલ કરી છે.’ તેમણે શિંદેના હરીફ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ)ના વડા ઉદ્ધવ ઠાકરેને ‘દેવ માનુસ’ ગણાવ્યા. વનગાના પરિવારના સભ્યોએ ન્યૂઝ ચેનલો સાથે વાત કરતા ધારાસભ્યની વર્તમાન માનસિક સ્થતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેણે માત્ર તેમની સાથે વાત કરવાનું અને ખાવાનું બંધ કર્યું નથી, પરંતુ તે રડી રહ્યો છે અને પોતાને મારી નાખવાની ધમકી પણ આપી રહ્યો છે .એવું કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્યની સ્થતિ વિશે માહિતી મળ્યા પછી, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વનગાની પત્નીનો સંપર્ક કર્યો અને તેમને ખાતરી આપી કે તેમના પતિને મહારાષ્ટ વિધાન પરિષદના સભ્ય તરીકેની ભૂમિકા માટે ધ્યાનમાં લેવામાં આવશે. સોશિયલ મીડિયા પર વનગાની ભાવનાત્મક પ્રતિક્રિયાઓનો વીડિયો સામે આવ્યો છે. ૨૮૮ સભ્યોની મહારાષ્ટ વિધાનસભા માટે ૨૦ નવેમ્બરે ચૂંટણી યોજાશે અને મતગણતરી ૨૩ નવેમ્બરે થશે.