અમદાવાદના લોકોને પરિવહનની સુવિધા મળી રહે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એએમટીએસ બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. લોકોના હિત માટે શરૂ કરવામાં આવેલી આ એએમટીએસ બસ સર્વિસ છેલ્લા કેટલાક વર્ષોથી ખોટમાં ચાલી રહી છે. એવી પણ માહિતી મળી રહી છે કે એએમટીએસ બસ દર વર્ષે ૩૫૦ કરોડ કરતાં પણ વધુ રૂપિયાની ખોટ કરે છે. કોરોનાની મહામારી વચ્ચે તો એએમટીએસ બસની આવકમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બસ ખોટમાં ચાલતી હોવા છતાં પણ અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના શાસકો નિકોલ અને ચાંદખેડામાં નવા બે બસ ટર્મિનલ બનાવવા માટે ૨.૩૮ કરોડનો ખર્ચ કરવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છે. એવી માહિતી મળી રહી છે કે, એએમટીએસ બસે વર્ષ ૨૦૨૦ અને ૨૧માં ૩૫૫ કરોડ અને વર્ષ ૨૦૨૧ અને ૨૨માં ૩૮૯ કરોડની ખોટ કરી હતી.
એએમટીએસ બસ ખોટમાં ચાલતી હોવા છતાં પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ૧૪ ડીસેમ્બરના રોજ મળેલી ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં નિકોલ વિસ્તારમાં ૯૦.૬૦ લાખના ખર્ચે અને ચાંદખેડામાં ૧.૪૭ કરોડના ખર્ચે નવા બે બસ ટર્મિનસ બનાવવાની મંજૂરી ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
એવી પણ માહિતી મળી રહી છે કે, અમદાવાદના સારંગપુર, મણિનગર અને કાલુપુર સહિતના બસ ટર્મિનસની હાલત અત્યારે ખરાબ છે. તો અમદાવાદના જુના કાલુપુરમાં જે બસ ટર્મિનેશન બંધ કરવામાં આવ્યુ હતું ત્યાં લોકો જોહેરમાં શૈચ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ બસ ટર્મિનેશન બંધ થતાં બસને સારંગપુર બસ ટર્મિનેશન ખાતે લઈ જવામાં આવી રહી છે. સારંગપુર બસ ટર્મિનસની વાત કરવામાં આવે તો આ બસ ટર્મિનસ નાનું છે અને તેમાં શેલટરો પણ નથી. જેથી વરસાદ અને તડકામાં લોકોને ખુલ્લામાં ઉભુ રહેવું પડે છે. આ ઉપરાંત કેટલીક વખત તો સારંગપુર બસ ટર્મિનલમાં રિક્ષાચાલકો તેમની રીક્ષા પણ પાર્ક કરીને જતા રહે છે. તેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે.
નવા બસ ટર્મિનસ બનાવવાના નિર્ણય બાબતે એએમટીએસ કમિટીના ચેરમેન વલ્લભ પટેલે  કહ્યું કે, નિકોલ અને ચાંદખેડામાં બે નવા બસ સ્ટેશન બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે અને તેનું બજેટ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનામાંથી ફાળવવામાં આવશે. એએમટીએસ કરોડોની ખોટ કરે છે પરંતુ તેમાં સૌથી વધારે ખર્ચો કર્મચારીના પેન્સન અને પગારની રકમમાં જોય છે.