(એ.આર.એલ),અમદાવાદ,તા.૫
છેલ્લા ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી શ્રાવણ માસમાં સામાન્ય દરથી બસ સેવા ચલાવાઈ રહી છે. આ વખતે પણ ધાર્મિક મહિનામાં બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
શહેરના કોઈ પણ ખૂણે રહેતો નાગરિક શ્રાવણ મહિનામાં મંદિરોના દર્શનાર્થે બસ નોંધાવી શકશે. એક બસમાં ૪૦ લોકોને નવ કલાક માટે બસ પૂરી પડાશે. જેનું રૂપિયા ૩,૦૦૦ ભાડું રહેશે. આમ વ્યક્ત દીઠ ૭૫ રૂપિયા ભરવાના રહેશે. ભાડાંની રકમ એડવાન્સ જમા કરાવાની રહેશે. તારીખ મુજબ નક્કી કરેલા સ્થળ પર બસ મોકલવામાં આવશે. અમદાવાદ બહાર રહેતા લોકો માટે રૂપિયા ૫,૦૦૦ ભાડું નક્કી કરાયું છે.ભદ્રકાળી, જગન્નાથ મંદિર, સોમનાથ મહાદેવ(ગ્યાસપુર), લાંભામંદિર, કર્ણમુક્તેશ્વર મહાદેવ, ચકુડિયા મહાદેવ, નીલકંઠ મહાદેવ (અસારવા), કેમ્પ હનુમાન મંદિર, મહાકાળી મંદિર (દૂધેશ્વર), અક્ષરપુરુષોતમ મંદિર,મંદિર, વિશ્વ ઉમિયા ધામ(જાસપુર), વૈષ્ણવદેવી મંદિર, તિરુપતિ બાલાજી, સોલા ભાગવત વિદ્યાપીઠ, હરેકૃષ્ણ મંદિર (ભાડજ), ગુરુદ્વાર ગોવિંદધામ, પરમેશ્વર મહાદેવ, ઇસ્કોન મંદિર અને જલારામ મંદિરે દર્શન કરાવાશે.
બસની નોંધણી કરાવવા માટે લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણિનગર ટર્મિનસ પર ભાડાંની નક્કી કરાયેલી રકમ એડવાન્સ ભરવાની રહેશે. રકમ ભરાયા પછી નક્કી કરેલી તારીખે સવારે ૮ વાગે સ્થળ પર બસ પહોંચી જશે. ગ્રુપ દ્વારા નક્કી કરાયેલા મંદિરોમાં સાંજના ૫.૦૦ વાગ્યા સુધી બસ ફરશે. ગ્રૂપ દ્વારા મંદિરો નક્કી કરવામાં મુંઝવણ હશે તો છસ્્જી પોતે મંદિરોની યાદી નક્કી કરી અપાશે. બસના ભાડાં સિવાય અન્ય કોઇ રકમ આપવાની નહીં રહે. ગત વર્ષે શ્રાવણ અને અધિક મહિનામાં ૨,૫૦૦ બસ ભાડે કરીને ૧.૫૦ લાખ નાગરિકોએ ધાર્મિક મંદિરોએ દર્શન કરવાનો લાભ લીધો હતો. અધિકારીઓએ કહ્યું કે, એક જ વખતમાં ૨૦ મંદિરોમાં દર્શનનું આયોજન શક્ય નથી. એટલે નવ કલાકમાં માત્ર ૭થી ૮ મંદિરોએ દર્શન થઇ શકે. દર્શન કરવા માટે પૂરતો સમય પણ અપાય છે.