આજે વર્લ્ડ એઈડ્સ ડે છે.

વિશ્વમાં દર વર્ષે 1 ડીસેમ્બરે વર્લ્ડ એઈડ્સ ડે ઉજવાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના એઈડ્સ માટેના વૈશ્વિક કાર્યક્રમના પબ્લિક ઈન્ફર્મેશન ઓફિસર્સ જેમ્સ ડબલ્યુ. બન અને થોમસ નેટર આ દિવસની ઉજવણીના પ્રણેતા મનાય છે. બંનેએ 1987માં પોતાના બોસ ડો. જોનાથન માનને આ આઈડીયા આપ્યો હતો. તેમને આ વિચાર ગમ્યો ને તેમણે આ વિચારને તાત્કાલિક અમલી બનાવી દેવા કહ્યું. બર્ન અને નેટર બંને કામે લાગ્યા ને લગભગ એક વર્ષની મહેનત પછી તેમણે 1 ડીસેમ્બરે વર્લ્ડ એઈડ્સ ડે ઉજવવાની દરખાસ્ત મૂકી.

જેમ્સ બન મૂળ ટીવીનો પત્રકાર હતો તેથી તેને ખબર હતી કે, અમેરિકામાં લોકો સૌથી વધારે ટીવી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી દરમિયાન જુએ છે. એ વખતે ડિજિટલ મીડિયા હતું નહીં તેથી લોકો માટે તાજા સમાચાર જોવા માટે ચેનલો સિવાય વિકલ્પ નહોતો. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી નવેમ્બર મહિનામાં થાય છે. આ ચૂંટણી વખતે વ્યુઅરશીપ સૌથી વધારે હોય છે. બનનો આઈડિયા હતો કે, લોકોની ટીવી ચેનલો જોવાની ટેવનો એઈડ્સ સામે જાગૃતિ ફેલાવવા માટે લાભ લેવો જોઈએ તેથી તેણે 1 ડીસેમ્બરે વર્લ્ડ એઈડ્સ ડે ઉજવવા સૂચન કર્યું. ડો માનને આ વિચાર ગમ્યો તેથી તેમણે તાત્કાલિક તેનો અમલ કરવા કહ્યું એટલે 1988થી જ વર્લ્ડ એઈડ્સ ડે ઉજવવાની શરૂઆત કરાઈ. દર  વર્ષે નવી થીમ સાથે ઉજવણી કરવાનું પણ નક્કી થયું. લોકોમાં જાગૃતિ આવે એ માટે રોમન કેથોલિક ધર્મના વડા પોપ જોન પોપનો સંદેશો પણ પ્રસારિત કરાયો ને પછી એ પણ પરંપરા બની ગઈ. પછીથી તો વર્લ્ડ એઈડ્સ ડેની ઉજવણીમાં ઘણ રંગો ઉમેરાતા ગયા. એઈડ્સ સામે જાગૃતિ માટેનું એકદમ સ્વતંત્ર વર્લ્ડ એઈડ્સ કેમ્પેઈન પણ શરૂ થયું ને આજે વિશ્વમાં કોઈ રોગ સામે જાગૃતિ લાવવા માટેનું એ સૌથી મોટું અભિયાન છે.

///////////////////////

એઈડ્સ જેવો ખતરનાક રોગ બીજો આવ્યો નથી.

વિશ્વમાં લાખો લોકોનો ભોગ લેનારા ઘણા રોગચાળા આવ્યા છે. લોકો ટપોટપ મર્યાં હોય એવા રોગ પણ દુનિયાએ બહુ જોયા છે ને ધીરે ધીરે લોકોને મારનારા રોગોનો પણ અનુભવ છે પણ એઈડ્સ જેવો લોકોને થથરાવી નાંખનારો બીજો રોગ નથી આવ્યો. 1990 અને 2000ના દાયકામાં એઈડ્સના નામથી જ લોકો થથરી જતા. અત્યારે પણ એઈડ્સ ખતરનાક રોગ છે જ પણ તેનો હાઉ ઓછો થયો છે તેથી નવી પેઢીને એઈડ્સની ભયાનકતા વિશે કે તેની માનસિક અસરો વિશે બહુ ખ્યાલ નથી પણ એક સમય હતો કે જ્યારે એઈડ્સ થયો હોય તેનાથી લોકો દૂર ભાગતાં.

એઈડ્સ કોઈને સ્પર્શવાથી નથી ફેલાતો એવી જાહેરખબરોનો મારો ચલાવાતો પણ લોકોના ગળે એ વાત ઉતરતી નહોતી. એઈડ્સને લોકો સર્વનાશનું પ્રતિક જ માનતા ને ભગવાનને પ્રાર્થના કરતા કે, હે ભગવાન બીજો ગમે તે રોગ આપજે પણ એઈડ્સ ના આપતો. લોકોના આ ફફડાટનું કારણ એ હતું કે, એઈડ્સ મોટા ભાગે શરીર સંબંધોના કારણે ફેલાતો રોગ હતો. તેના કારણે એઈડ્સ થયો હોય એવી વ્યક્તિ શારીરિક રીતે તો ખતમ થઈ જ જતી પણ સામાજિક રીતે પણ બહિષ્કૃત થઈ જતી. એઈડ્સ થયો હોય એ વ્યક્તિ સાથે અછૂત જેવો જ વ્યવહાર થતો. તેના કારણે વ્યક્તિ માનસિક રીતે પણ પડી ભાંગતી.

એ સમય એવો હતો કે જ્યારે એઈડ્સ થાય એટલે માણસની ટિકિટ કપાઈ ગઈ એવું માનતું હતું. જેને એઈડ્સ થયો હોય તેનું  મસાણ ભેગા થવાનું નક્કી ગણાતું હતું. એઈડ્સનો હાઉ એટલો હતો કે, તેનું નામ પડે લોકો દૂર ભાગવા માંડતાં હતાં.

આજે એઈડ્સનો હાઉ નથી અને એચઆઈવી સંકર્મિત લોકો પણ એઈડ્સ સાથે જીવે છે.

///////////////////////

એઈડ્સ એચઆઈવી વાયરસના કારણે થતો રોગ છે.

એઈડ્સ  એક્વાયર્ડ ઇમ્યુનોડીફીસિયન્સી સિન્ડ્રોમનું ટૂંકુ નામ હતું. એચઆઈવી નામના વાયરસથી ફેલાતો આ રોગ માણસની રોગ પ્રતિકારક શક્તિને સાવ ખતમ કરી નાંખતો. તેના કારણે માણસને સામાન્ય રોગ થયો હોય તો પણ મટતો નહીં. પરિમામે એઈડ્સનો દર્દી કદી સાજો થાય જ નહીં. રોગ પ્રતિકારક શક્તિ હોય નહીં એટલે ગમે તે દવા લે તો પણ અક્સિર સાબિત ના થાય. દવા લે ત્યારે થોડી રાહત વર્તાય પણ રોગ ના જાય. તેના કારણે શરીરનાં અવયવો પર ભારણ વધતું જાય ને એક પછી એક અવયવ નબળાં પડતાં જાય. એક તબક્કો એવો આવે કે, કોઈ ને કોઈ અવયવ કામ કરવાનું બંધ કરે એટલે વ્યક્તિ મોતને ભેટે.

એઈડ્સ જેને લીદે થાય છે તે વાયરસને એચ.આઈ.વી. એટલે કે હ્યુમન ઇમ્યુનોડીફિસિયન્સી વાયરસ કહે છે. તેને લીધે એઈડ્સ થાય છે એ સાબિત થયેલી હકીકત છે. આપણને તંદુરસ્ત રાખવામાં આપણી રોગપ્રતિકારક શક્તિ મહત્વનો ભાગ ભજલે છે કેમ કે કોઈ પણ પ્રકારના ચેપ કે સંક્રમણ સામે રોગ પ્રતિકારક શક્તિ રક્ષણ આપે છે.  એચઆઈવી  આપણા શરીરને સંક્રમણથી બચવામાં મદદ કરતી રોગ પ્રતિકારક શક્તિની સિસ્ટમ પર આક્રમણ કરે છે. રોગ પ્રતિકારક સિસ્ટમમાં વ્હાઈટ બ્લેડ સેલ એટલે કે શ્વેતકણ મહત્તવા હોય છે. એચઆઈવી આ  સફેદ રક્તકોષોને શોધી શોધીને નષ્ટ કરે છે. તેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી થતી જાય છે.

એચઆઈવીનો ચેપ લાગવા માટે ઘણાં કારણો જવાબદાર છે પણ સૌથી મોટું કારણ અસુરક્ષિત જાતિય સંબંધ છે. કોઈ વ્યક્તિ એચઆઈવીનો ભોગ બનેલી વ્યક્તિ સાથે એક જ વાર  અસુરક્ષિત શરીર સંબંધ બાંધે તો તેના કારમે તેને એચઆઈવીનો ચેપ લાગી શકે. આ સિવાય એચઆઈવીનો ચેપ હોય એવી વ્યકિતનું લોહી ચડાવાય, તેના માટે વપરાયેલી ઈંજેક્શનની સોયથી બીજી વ્યક્તિને ઈંજેક્શન અપાય, ડ્રગ્સ લેવાય વગેરે કારણસર પણ એચઆઈવીનો ચેપ લાગી શકે. સંક્રમિત લોહી અને સંક્રમિત સોય સિવાય એક કરતાં વદારે પાર્ટનર સાથે શરીર સંબંધ, જન્મ પહેલા સંક્રમિત માતાથી બાળકને એચઆઈવીનો ચેપ લાગી શકે છે. ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ લેવાથી પણ એચઆઈવીનો ચેપ લાગી શકે.

એચઆઈવીનો ચેપ લાગ્યો હોય એવી વ્યક્તિના ગુપ્તાંગના તરલ પદાર્થમાં અને લોહીમાં એચઆઈવી હાજર હોય છે. સંક્રમિત લોહી અથવા યૌન તરલ પદાર્થ તમારા શરીરમાં પ્રવેશ કરે તો તમે સંક્રમિત થઈ શકો.

///////////////////////////////////

એઈડ્સ આવ્યો ક્યાંથી ?

આ સવાલનો ચોક્કસ જવાબ મળવો મુશ્કેલ છે પણ આફ્રિકા એચઆઈવીનું ઉત્પત્તિસ્થાન મનાય છે. સૌથી પહેલાં ચિમ્પાન્ઝીમાં એચઆઈવી વાયરસ મળ્યા હોવાનું કહેવાય છે. સામાન્ય ચિંપાજી મધ્ય આફ્રીકાના જંગોલમાં રહે છે અને આ જંગલોમાં જ એઈડ્સની શરૂઆત થઈ હોવાનું મનાય છે. નોટિંગહામ યુનિવર્સિટીના સંશોધક
ડૉ. પૉલ શાર્પના મતે, હજારો વર્ષ પહેલાં ચિમ્પાન્ઝીમાં આ વાયરસ વિકસ્યા હશે ને હવે માણસો સુધી પહોંચ્યા છે.  આફ્રીકાના દેશોમાં લોકો ચિંપાજીનો શિકાર કરી તેનું માંસ ખાય છે. એચઆઈવીનો ચેપ આ માંસ  ખાવાથી નથી લાગ્યો પણ તેને મારવાની અને  કાપવાની પ્રક્રિયામાં વખતે લાગ્યો છે. ચિંપાજીનું લોહી માણસોના ઉઘાડા ઘા પર લાગ્યું ને એ રીતે એચઆઈવી માણસમાં પ્રવેશ્યો.

આફ્રિકામાં 1970ના દાયકાની શરૂઆતમાં એચઆઈવીનો ચેપ લાગવાના કિસ્સા જોવા મળ્યા પછી ધીરે ધીરે કેનું પ્રમાણ વધવા માંડ્યું. 1980ના દાયકાની શરૂઆત સુધીમાં તો અમેરિકા સહિતના વિકસિત દેશોમાં એઈડ્સની એન્ટ્રી થઈ ચૂકી હતી. ધીરે ધીરે એઈડ્સે એવો ભરડો લીધો કે, બીજા કોઈ રોગે ના લીધો હોય એટલાં લોકોનો ભોગ તેણે લઈ લીધો છે.

વિશ્વમાં અત્યાર સુધીમાં લગભગ 11 કરોડ લોકોને એચઆઈવીનો ચેપ લાગી ચૂક્યો છે અને 5 કરોડ લોકો એઈડ્સનો ભોગ બનીને મોતને ભેટી ચૂક્યાં છે. 2020ના ડેટા પ્રમાણે સાડા ચાર કરોડ લોકો વિશ્વમાં એચઆઈવીના ચેપ સાથે જીવતાં હતાં. 2020માં જ એચઆઈવીનો ચેપ લાગ્યો હોય એવા નવા દર્દીઓની સંખ્યા 15 લાખ હતી જ્યારે 10 લાખ લોકો એઈડ્સના કારણે મોતને ભેટ્યાં.

આ આંકડા થથરાવી નાંખે એવા છે.

////////////////

વિશ્વ આખું કોરોનાના કારણે હજુ ફફડી રહ્યું છે ત્યારે વર્લ્ડ એઈડ્સ ડે નિમિત્તે લોકો એઈડ્સના પ્રભાવ વિશે જાણે એ જરૂરી છે. સાથે સાથે એ પણ સમજે કે એઈડ્સ જેવો મહા ખતરનાક રોગ આવીને ચાલી ગયો ને તેની સામે માનવીએ બરાબર ઝીંક ઝીલી છે તો કોરોનાને પણ પછાડી દેવાશે.

કોરોનાની તો રસી પણ આવી ગઈ જ્યારે એઈડ્સ જેવા બીજા ઘણા અનોખા ને ખતરનાક રોગોની રસી નથી આવી કે આ રોગ દુનિયામાંથી નાબૂદ થયા નથી. અલબત્ત તેમની દવા શોધાઈ ગઈ છે તેથી લોકો એ રોગ સાથે પણ લાંબું જીવી શકે છે. લોકો એઈડ્સને મહાત આપીને તો નહીં પણ એઈડ્સ સાથે સામાન્ય જીંદગી જીવતા થાય છે. આ જ સ્થિતી કોરોનાના કિસ્સામાં પણ થશે એ જોતાં ફફડવાની જરૂર નથી.

કોરોનાથી બચવા માટે લોકોએ આ ખરાબ સમય કાઢી નાંખવાનો છે. આ ખરાબ સમય કાઢી નાંખવા માટે મહેનત કે વિશેષ પ્રયત્નો તો કરવાના નથી જ. જરૂર માત્ર ને માત્ર લોકો એકબીજાથી દૂર રહીને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તેની છે. કોરોનાવાયરસ સ્પર્શથી ફેલાય છે એ જોતાં લોકો બને એટલા બહારના સ્પર્શથી દૂર રહે તો કોરોના તેમનું કશું ઉખાડી શકે તેમ નથી. લોકો મન મક્કમ રાખીને વર્તે ને બધું બાજુ પર મૂકીને કામથી કામ રાખે તો કોરોનાવાયરસનો ચેપ ફેલાવાનું ચોક્કસ અટકી જાય.

વર્લ્ડ એઈડ્સ ડે પર આ સૌથી મોટો સંદેશો છે.