ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું આજે નિધન થયું છે. તેમની સારવાર ઝાયડસ હોસ્પિટલમાં ચાલી રહી હતી. દિલ્હીથી સાતમી તારીખે પરત ફર્યા બાદ અચાનક તબિયત લથડતાં આશા પટેલને અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પિટલ લવાયા હતાં. ડેન્ગ્યુને કારણે લિવર ડેમેજ થતાં સ્થિતિ ગંભીર બનતાં તેમને વેન્ટિલેટર પર મૂકાયા હતાં. ડેન્ગ્યૂના કારણે તેમના શરીરના અનેક અવયવો ફેઇલ થયા હતા. આશા બેન પટેલનું નિધન થતા સમગ્ર રાજ્યના નેતાઓએ શોકસંદેશો પાઠવ્યો છે. આશા બેન પટેલ એક શિક્ષિત ધારાસભ્ય હતા. પીએચ થયા છતાં એક સમયે તેમની પાસે નોકરી નહોતી.
વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ઊંઝાના પાંચ પાંચ ટર્મના ધારાસભ્યને ૩૭ વર્ષના ડા. આશા બેન પટેલે હાર આપી હતી. પાટિદાર અનામતની આગમાં ભડકે બળેલા ઉત્તર ગુજરાતમાં ભાજપ વિરાધી જુવાળ હતો અને આ જુવાળમાં આશા બેન પટેલ ૧૯,૦૦૦ મતની લીડથી જીત્યા હતા.
આશા બેન પટેલ અપરિણીત હતા. સમાજ સેવા અને રાજકારણમાં આગળ આવ્યા બાદ તેમણે લગ્ન કરવાનું ટાળ્યું હતું. તેઓ વિશોળમાં પોતાના પરિવાર સાથે રહેતા. આશા બેનનું ભણતર પણ ખૂબ જ ઉચ્ચ હતું.
કેમેસ્ટ્રીમાં પી.એ.ડી થયેલા આશા બેન એક પ્રાધ્યાપિક પણ હતા પરંતુ ધારાસભ્ય બન્યા તેના થોડા સમયે પહેલાં સુધી તેમને નોકરી નહોતી મળી શકી. ધારાસભ્ય તરીકે પ્રથમવાર જીતી ન શકતા તેમણે ખૂબ મહેનત કરી હતી અને બીજાવાર જીત્યા હતા.
વર્ષ ૨૦૧૨માં તેઓ ઊંઝા બેઠક પરથી હારી ગયા હતા પરંતુ વર્ષ ૨૦૧૭માં તેમને ૮૧,૭૯૭ વોટ મળ્યા હતા જ્યારે ઊંઝાના ધારાસભ્ય નારાણ ભાઈ પટેલની હાર થઈ હતી અને તેમને ૬૨,૨૬૮ વોટ મળ્યા હતા.
ઊંઝાના રાજકારણમાં જીરૂની માર્કેટ એપીએમસી મોટો ભાગ ભજવે છે. આશાબેનને ધારાસભ્ય બનાવાવમાં ખૂબ મદદ કરનાર દિનેશ પટેલને આ એપીએમસીમાં ચેરમેન પદ અપાવવા માટે જ મુખ્યત્વે તેમણે ભાજપમાં પગ મૂક્યો હતો પરંતુ છેક સુધી તેઓ લોક પ્રશ્નો માટે લડતા રહ્યા હતા