ઉત્તર પ્રદેશની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. હજુ જાહેરપત્ર બહાર પડ્યો નથી પણ સભાઓ ગાજવા લાગી છે, લોકાર્પણ થવાં લાગ્યાં છે. પરંતુ ચૂંટણીના મુદ્દા ધીમેધીમે બહાર આવવા લાગ્યા છે અને તે વિકાસ નથી!
તાજેતરની પેટા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ, રાજસ્થાન વગેરેમાં ભાજપને જે ફટકો પડ્યો તે પછી દિવાળી પર પેટ્રૉલ-ડીઝલમાં ઍક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરી મોદી સરકારે દિવાળીની ભેટ આપી તેમ પ્રચાર શરૂ થયો. ભાજપ શાસિત રાજ્યોએ પણ મૂલ્ય વર્ધિત વેરો ઘટાડ્યો. આમ, હવે વિપક્ષો દ્વારા પેટ્રૉલ-ડીઝલનો ભાવ વધારો મુદ્દો થવાના બદલે ભાજપ તેને મુદ્દો બનાવશે કેમ કે કૉંગ્રેસ શાસિત રાજ્યો (પંજાબ સિવાય), સામ્યવાદી શાસિત કેરળ વગેરેએ ‘વેટ’ ઘટાડ્યો નથી. કેરળનીપિનરાયી વિજયન સરકારે તો રાજ્યની આર્થિક સ્થિતિ નબળી હોવાનું બહાનું કાઢ્યું છે. અને જો ‘વેટ’ ઘટાડે તો તેનાથી સરકાર પર આર્થિક બોજો આવી પડે તેમ છે તેમ કહ્યું છે. પ્રશ્ન એ થવો જોઈએ કે કેરળની આર્થિક સ્થિતિ નબળી કેમ છે? અત્યાર સુધી કેરળમાં સામ્યવાદી અને કૉંગ્રેસ શાસકોએ કર્યું શું?
૨૦૧૯માં ક્રિસિલ રિસર્ચના અહેવાલમાં કહેવાયું હતું કે બધાં રાજ્યોમાં સૌથી વધુ મોંઘવારી કેરળમાં છે! તેની સરકારે જે દેવાનું સ્તર નક્કી કર્યું છે તેનાથી દેવું ઘણું આગળ વધી ગયું છે. મધ્યમથી મોટાં ૧૭ રાજ્યોમાં કેરળનો આર્થિક વૃદ્ધિ દર બીજા ક્રમનો સૌથી ધીમો છે!
વક્રતા એ છે કે કેરળમાં ભાજપની સાથે કૉંગ્રેસ પણ પેટ્રૉલ-ડીઝલ પર ‘વેટ’ નહીં ઘટાડવાની રાજ્ય સરકારના નિર્ણયની ટીકા કરી રહી છે! પરંતુ પોતાનાં શાસિત રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડમાં ‘વેટ’ ઘટાડ્યો નથી! દિલ્લીમાં આમ આદમી પક્ષની સરકારે પણ સામાન્ય માનવીનો વિચાર કરી વેટ નથી ઘટાડ્યો, તમિલનાડુમાં ડીએમકે સરકારે, તેલંગાણામાં તાજેતરમાં ભાજપ અધ્યક્ષને જીભ કાપી નાખવાની ધમકી આપનાર મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે, આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડી સરકારે કોઈએ ભાવ નથી ઘટાડ્યા. આ મુદ્દો આવનારા દિવસોમાં મોટો મુદ્દો બનશે અને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ગાજશે.
મુસ્લિમ-યાદવ સમીકરણ સાધવા સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય (!) અધ્યક્ષ અખિલેશ યાદવે ઝીણાનું ભૂત બોલાવ્યું છે જે આ ચૂંટણીમાં બરાબર ધૂણવાનું છે! તેમણે કહ્યું કે દેશને સ્વતંત્રતા મોહમ્મદ અલી ઝીણાએ અપાવી હતી. આ નિવેદન તેમણે બરાબર સરદાર પટેલની જયંતીના દિવસે જ આપ્યું હતું. ઝીણાએ ભારતને સ્વતંત્રતા અપાવી કે પછી ભારતના ભાગલા કરાવ્યા તે બધા જ જાણે છે. તેમણે ઝીણાને ગાંધીજી, સરદાર પટેલ સાથે પણ સરખાવ્યા.આ નિવેદનથી ભાજપને મજા પડી ગઈ. તેણે સામા પક્ષે કહ્યું કે ચૂંટણી પહેલાં અખિલેશને ઝીણા અને પાકિસ્તાનની પ્રશંસા કરવાની શું આવશ્યકતા પડી? મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે ગત સરકાર (સમાજવાદી પક્ષ- અખિલેશ) લોકોને વિભાજીત કરવાની પ્રવૃત્તિ કરતા હતા. આ પ્રવૃત્તિ હજુ પણ ગઈ નથી. અખિલેશ યાદવે રાષ્ટ્રને જોડનારા સરદાર પટેલની તુલના ઝીણા સાથે કરી છે. આ તાલિબાની માનસિકતા છે. જે જાતિ, પંથ વગેરેને તોડવાનું કામ કરે છે. નવાઈની વાત એ છે કે મુસ્લિમોના જ નેતા ગણાતા અસદુદ્દીન ઓવૈસીએ પણ અખિલેશની ટીકા કરતાં કહ્યું કે ભારતીય મુસ્લિમોને ઝીણા સાથે કોઈ લેવાદેવા નથી.
પરંતુ અખિલેશ યાદવ ઝીણા પર પોતાના નિવેદન પર મક્કમ રહ્યા. એટલું જ નહીં, સપના સાથી પક્ષ સુહેલદેવ ભારતીય સમાજ પક્ષ (એસબીએસપી)ના ઓમપ્રકાશ રાજભરે તો ગાંધીજીવાળી વાતને અનુમોદન આપતા કહ્યું કે જો ઝીણાને ભારતના વડા પ્રધાન બનાવાયા હોત તો દેશના ભાગલા ન પડત. આમ, આ નિવેદનોથી ઝીણાનો વિવાદ આગળ વધ્યો છે. એટલું જ નહીં, આજથી ત્રણ વર્ષ પહેલાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (જે ભારતના ભાગલાનું કેન્દ્ર રહી હતી)માં મોહમ્મદ અલી ઝીણાની તસવીર જોવા મળતાં વિવાદ ચગ્યો હતો તો, સર્વ સમાવેશક હિન્દુ તત્ત્વચિંતનનો પડઘો પાડતા બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયના ઉર્દૂ વિભાગમાં ભારતના ભાગલાના વિચારક અલ્લામા ઇકબાલ (જેમનું ગીત સારે જહાં સે અચ્છા કૉંગ્રેસ શાસન વખતે બીજા રાષ્ટ્રગીત જેવું હતું)ની તસવીર મળી હતી. આમ, આ વિવાદ આગળ વધી રહ્યો છે.
આ બધામાં માયાવતી એક પછી એક ડગલું ફૂંકી-ફૂંકીને ભરી રહ્યાં છે. તેઓ મુસ્લિમો મુદ્દે નિવેદન આપવામાં ભારે સાવચેતી દાખવી રહ્યાં છે. આનું કારણ એ છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં માયાવતીએ મંચ પરથી જ મુસ્લિમોને તેમના પક્ષને મત આપવા અપીલ કરી હતી. આના કારણે ખૂબ જ ધ્રૂવીકરણ થઈ ગયું હતું. આથી માયાવતી હવે આ ભૂલ કરવા માગતા નથી. એ તો ઠીક, પણ એક જમાનામાં કથિત સવર્ણો સામે ઘૃણાજનક સૂત્ર ‘તિલક, તરાજુ ઔર તલવાર, ઈનકો મારો જૂતે ચાર’ આપનાર માયાવતી બ્રાહ્મણ તરફી તો ૨૦૦૭માં થઈ ગયા હતા પરંતુ આ વખતે તેનાથી આગળ વધીને કથિત સવર્ણોને ૪૦ ટિકિટ આપવા જઈ રહ્યાં હોવાના અહેવાલો છે. બીજી તરફ, કૉંગ્રેસ પક્ષ પાસે તો મત બૅંક બચી જ નથી. આથી તેણે ૪૦ ટકા ટિકિટ મહિલાઓને આપીને સાડા છ કરોડ મહિલા મતદારોને લલચાવવાની ચાલ ચાલી છે.
પરંતુ કૉંગ્રેસનું ઘોડું છેક ચૂંટણી સુધી સારું દોડે છે અને અણીના સમયે ઊભું રહી જાય છે, તેમ આ વખતે સલમાન ખુર્શીદે કૉંગ્રેસનું ઘોડું અટકાવવા પ્રયાસ કર્યો છે. ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સર્વોચ્ચ ન્યાયાલયે શ્રી રામજન્મભૂમિ પર શ્રી રામમંદિર બનવું જોઈએ તેવો સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો. આને બે વર્ષ પૂરાં થયાં છે ત્યારે સલમાન ખુર્શીદનું પુસ્તક ‘સનરાઇઝ ઑવર અયોધ્યા: નેશનહુડ ઇન અવર ટાઇમ્સ’ પ્રકાશિત થયું છે. આ પુસ્તકમાં તેમણે સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાની ન માત્ર પ્રશંસા કરી છે, પરંતુ એમ પણ કહ્યું છે કે રામરાજ્યનો વિચાર માત્ર હિન્દુઓ પૂરતો સીમિત નથી, તે વ્યાપક વિચાર છે. જોકે આ સાથે તેમણે તેને ઇસ્લામ સાથે પણ સાંકળવાનો પ્રયાસ કર્યો છે અને કહ્યું છે કે ઇસ્લામમાં પણ રામરાજ્યની જેમ નિઝામ-એ-મુસ્તફાની વાત છે. આ સાથે તેમણે હિન્દુત્વ પર આધારિત રાજનીતિને ખતરનાક ગણાવી છે.
એ તો ઠીક, પરંતુ પોતાના નેતાઓ પર જ પ્રહાર કરતા કહ્યું છે કે કૉંગ્રેસમાં જ એવો વર્ગ છે જેને કૉંગ્રેસ લઘુમતીનો પક્ષ હોવાની છબિનો પસ્તાવો છે. આ વર્ગ અમારા નેતૃત્વની જનોઈધારી ઓળખનો પક્ષપાત કરે છે. આનો અર્થ એ થયો કે સલમાન ખુર્શીદ દુઃખી છે કે કૉંગ્રેસ પક્ષ પણ હવે ભાજપના પગલે હિન્દુત્વ તરફ વળ્યો છે. ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધી જનોઈ પહેરી મંદિરે-મંદિરે ગયા હતા તેના તરફ સલમાન ખુર્શીદનો ગર્ભિત ઈશારો છે. પ્રિયંકા રોબર્ટ વાડ્રા પણ છેલ્લા ઘણા સમયથી ઉત્તર પ્રદેશમાં આ જ કરી રહ્યાં છે.
પરંતુ માત્ર પ્રિયંકા ગાંધી વાડ્રા જ શું કામ? ભલભલા રાજકારણીઓ ભગવાન શ્રી રામ અને હિન્દુ દેવીદેવતાઓનાં દર્શને જતા થઈ ગયા છે. પહેલું નામ તો અરવિંદ કેજરીવાલનું આવે. અરવિંદ કેજરીવાલના પક્ષ (આઆપ)ના મનીષ સિસોદિયા જે દિલ્લીના ઉપ મુખ્ય પ્રધાન પણ છે તેમણે એક સમયે એમ કહેલું કે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિના સ્થાન પર મંદિરની જગ્યાએ યુનિવર્સિટી બનવી જોઈએ. તેઓ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી પહેલાં શ્રી રામ ભક્ત બની ગયા! ગત ૧૩ સપ્ટેમ્બરે તેમણે ટ્વીટ કરી લખ્યું કે આજે હું શ્રી રામ લલ્લાના દર્શને જઈ રહ્યો છું. અયોધ્યામાં પ્રભુ શ્રી રામે લોકોના સુખના એટલાં ઉચ્ચ ધોરણો સ્થાપિત કર્યાં કે આજે પણ રામરાજ્ય સ્વચ્છ શાસન અને પ્રશાસનની સર્વોચ્ચ પ્રેરણા ગણાય છે!
ગત દિવાળી પર દિલ્લીના ત્યાગરાજ સ્ટેડિયમમાં અયોધ્યામાં બની રહેલા શ્રી રામમંદિરની પ્રતિકૃતિ જેવું પંડાલ બનાવી અરવિંદ કેજરીવાલ સરકારે કરોડો રૂપિયાના ખર્ચે પૂજા સમારોહ આયોજિત કર્યો હતો. તેનું ટીવી પર સીધું પ્રસારણ પણ થયું. જોકે ટીવીમાં ઉપર ‘ઇમ્પેક્ટ ફીચર’ એવું લખેલું આવતું હતું જે બતાવતું હતું કે તે પૈસા દઈને કરાવાયેલું પ્રસારણ છે.
આ એ જ કેજરીવાલ છે જેમણે ઈ. સ. ૨૦૧૪માં કાનપુરમાં આયોજિત એક રેલીને સંબોધતા કહ્યું હતું કે “તેમના રામ કોઈ મસ્જિદના કાટમાળ પર બનેલા મંદિરમાં નિવાસ નથી કરતા.”
પ્રિયંકા વાડ્રા, અખિલેશ યાદવ, માયાવતી અને જયંત ચૌધરી (સ્વ. અજિતસિંહના પુત્ર)એ ચૂંટણીનો શંખનાદ નવરાત્રિથી કર્યો! બધાના મંચ પર પહેલાં મુસ્લિમ આગેવાનો અથવા મુસ્લિમ પ્રતીકો દેખાતા હતા, તે હવે ગાયબ છે. પ્રિયંકા વાડ્રા ભાલ પર બાબા વિશ્વનાથ (શંકર ભગવાન)ના ચંદનનું ત્રિપુંડ સાથે જનસભા કરી રહ્યાં હતાં. ભાષણની શરૂઆત તેમણે દુર્ગા સપ્તશતીના મંત્રોચ્ચારથી કરી હતી! પ્રિયંકાની સભામાં મંચ પર સલમાન ખુર્શીદ હતા તો અવશ્ય પરંતુ તેઓ તેમનાથી ઘણા દૂર બેઠા હતા!અખિલેશની સભામાં પણ મંચ પર મુસ્લિમ જાળીદાર ટોપી પહેરીને નેતાઓ નજરે પડતા હતા. આ વખતે સપની લાલ રંગની ટોપીઓ નજરે પડે છે. અરે! તેના મુસ્લિમ નેતા કે સમર્થકો પણ જાળીદાર ટોપીના બદલે લાલ રંગની ટોપી પહેરીને નજરે પડી રહ્યા છે.
જોકે જેમ ભાજપ ગમે તેટલા પ્રયત્ન કરે, મુસ્લિમ મતદારો તેની તરફ આવતા નથી, તેમ ભાજપ વિરોધી પક્ષો ગમે તેટલા પ્રયત્નો કરે, ચુસ્ત હિન્દુ મતદારો તેમની તરફ જવાના નથી કારણકે ઉત્તર પ્રદેશમાં યોગીની બોલબાલા છે. યોગી કહી રહ્યા છે કે એક સમય હતો કે કારસેવકો પર ગોળીબાર થતો હતો પરંતુ જો હવે કારસેવા થાય તો તેમના પર ફૂલો વરસાવવામાં આવશે.
યોગીજીએ શ્રી રામજન્મભૂમિ ચુકાદા માટે જરૂરી બધો જ સહકાર આપ્યો હતો અને તે પછી પણ ભવ્ય શ્રી રામમંદિર નિર્માણ માટે માર્ગ સુગમ કરી દીધો છે.તેમણે ફૈઝાબાદ જિલ્લાનું અયોધ્યા, પંથીય મહત્ત્વના ત્રિવેણી સંગમ એવા અલાહાબાદનું પ્રયાગરાજ,મુગલસરાયનું પંડિત દીનદયાલ ઉપાધ્યાયરેલવે સ્ટેશન, ઉત્તર પ્રદેશનાં હિન્દુ ઐતિહાસિક શહેરોનાં પ્રાચીન નામો ધડાધડ કરીને હિન્દુઓનું ગૌરવ પાછું અપાવ્યું છે. ઉત્તર પ્રદેશને અથડામણોમાં ગુંડાઓનાં ધડાધડ મૃત્યુ કરાવીને ભયથી મુક્ત કરાવ્યું છે. આર્થિક રીતે મોબાઇલ મેન્યુફૅક્ચરિંગ, ફિલ્મ સિટી વગેરે રોકાણો લાવ્યાં છે. તો મોદી સરકારે પણ ઉત્તર પ્રદેશને એઇમ્સ, મેડિકલ કૉલેજ, ઍક્સપ્રેસ વે, વારાણસીની કાયાપલટ વગેરે અનેક ભેટો આપી છે. ઉત્તર પ્રદેશમાં વસતિ અને ક્ષેત્રફળની રીતે તેમજ મજૂરોના પલાયનના કારણે કોરોના વણસવાની પૂરી શક્યતા હતી પરંતુ યોગી સરકારે તેને નિયંત્રણમાં રાખ્યો અને મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે ઉત્તર પ્રદેશના કોરોના મૉડલની પ્રશંસા કરી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા અને દેશનું નીતિ આયોગ પણ તેની પ્રશંસા કરી ચૂક્યું છે. સીએએ વિરોધી હિંસામાં આરોપીઓની સામે કડક કાર્યવાહી હોય કે પછી આઝમ ખાન, મુખ્તાર અન્સારી વગેરે સામે કડક કાર્યવાહી, યોગીની કડકાઈએ દેશભરમાં ભાજપ સમર્થકોની પ્રશંસા મેળવી છે. યોગીને ભાવિ વડા પ્રધાન તરીકે ભાજપ સમર્થકો ઝંખી રહ્યા છે.
જોકે લખીમપુર કાંડ, હાથરસ કાંડ, ઉનાવા બળાત્કાર, ટિકૈત તરફી ખેડૂતોનો રોષ અને ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સપએ પાડેલો ફટકો યોગી માટે મોટી અડચણરૂપ છે. વળી, તાજેતરમાં જે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ થઈ છે તેમાંય ભાજપને પીછેહઠ સાંપડી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ ત્રણમાંથી સીધો ૭૭એ પહોંચ્યો તે બહુ મોટી સિદ્ધિ છે પરંતુ અપેક્ષાકૃત સત્તાની સફળતા નથી મળી અને તે પછી ભાજપના કાર્યકરોની તૃણમૂલના ગુંડાઓના હાથે હત્યા, બળાત્કાર વગેરે ઘટનાઓના કારણે અને તે અંગે ભાજપના ટોચના નેતાઓની નિષ્ક્રિયતા સમાન મૌનના કારણે ભાજપ સમર્થકોનું મનોબળ તળિયે છે. પશ્ચિમ બંગાળ જ નહીં, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મધ્ય પ્રદેશ, કેરળ, તેલંગણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ વગેરે અનેક રાજ્યોમાં ભાજપ કાર્યકરોની હત્યા થઈ છે. આવું જો કૉંગ્રેસ, ડાબેરીઓ કે તૃણમૂલના કાર્યકરો સાથે થયું હોય તો સંસદથી લઈને સડક સુધી ન માત્ર દેખાવો કર્યા હોય પણ સામે કૉર્ટમાં પીઆઈએલથી લઈને રાષ્ટ્રપતિ શાસન સુધીના ઉપાયો અજમાવી દેવાયા હોત.
ભાજપ સામે વિપક્ષ વેરવિખેર છે તે સાચું પણ મુખ્ય હરીફાઈ અખિલેશના સપ તરફથી છે. વળી, તેના કાકા શિવપાલ યાદવનો પક્ષ સપ સાથે ગઠબંધન કરે તો મતનું વિભાજન અટકશે પણ ખરું. પ્રિયંકા કે આઆપના કેજરીવાલ-સિસોદિયા દોડાદોડી કરે પણ તેઓ ‘મત કપાવનાર’ જ બની રહેશે.
જોકે આ બધાં તો હજુ ચૂંટણી જાહેર થયા પૂર્વેનાં તારણો છે, જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમતેમ અનેક રંગો ઉમેરાતા જશે. એક વાત ચોક્કસ છે, ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને રાજ્યસભામાં બહુમતી માટે ભાજપને ઉત્તર પ્રદેશ ગુમાવવું પાલવે તેમ નથી.