બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદા વિરુદ્ધ હિંસા અને તણાવ વચ્ચે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મોટું નિવેદન આપ્યું છે. સોમવારે કાલીઘાટ સ્કાયવોકનું ઉદ્ઘાટન કરતી વખતે તેમણે શાંતિનો સંદેશ પણ આપ્યો. મુખ્યમંત્રીએ કહ્યું કે દરેકને પરવાનગી લીધા પછી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ કાયદો પોતાના હાથમાં ન લેવો. કોઈના ઉશ્કેરણીમાં ન આવો. અમે ઘણા મંદિરોમાં કામ કર્યું છે. દરેક વ્યક્તિનો પોતાનો ધર્મ હોય છે અને દરેકના પોતાના તહેવારો હોય છે.

મુખ્યમંત્રીએ કહ્યું, જ્યારે હું બીજા ધર્મના કાર્યક્રમમાં જાઉં છું ત્યારે ઘણું બધું કહેવામાં આવે છે. ધર્મના નામે અધર્મનો ખેલ ન રમવો જાઈએ. ધર્મ એટલે શાંતિ, એકતા, સંસ્કૃતિ. જો કોઈને કોઈ નુકસાન થાય છે તો આપણે બધા તેમની સાથે ઉભા છીએ. બંગાળની માટી શાંતિની માટી છે. નઝરુલ અને રવીન્દ્રનાથ ટાગોર બંનેનો જન્મ આ જ ભૂમિ પર થયો હતો.

કાલીઘાટ સ્કાયવોકના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્યારે મેં દક્ષિણેશ્વરમાં સ્કાયવોક બનાવ્યો હતો, ત્યારે મેં વચન આપ્યું હતું કે હું કાલીઘાટ સ્કાયવોક પણ બનાવીશ, પરંતુ ત્યાંની સરખામણીમાં અહીં જગ્યા ઓછી છે. આ સ્કાયવોક ૪૩૫ મીટર લાંબો અને ૧૦.૫ મીટર પહોળો છે. ધાર્મિક સંસ્થાઓ અને સાંસ્કૃતિક સંસ્થાઓ લાખો લોકોને આકર્ષે છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા વિવિધ મંદિરો, મસ્જીદો અને ગુરુદ્વારાઓના વિકાસ માટે કરવામાં આવેલા કાર્યો વિશે પણ વાત કરી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ધર્મ બધા માટે છે, તહેવારો બધા માટે છે. આપણે બધે જઈએ છીએ. જો હું બીજા કોઈ કાર્યક્રમમાં જાઉં છું, તો લોકો મારી વિરુદ્ધ લખે છે. આપણે ધર્મ સાથે અધર્મનો ખેલ ન રમવો જોઈએ. ધર્મનો અર્થ પ્રેમ છે. ધર્મનો અર્થ શાંતિ છે. ધર્મનો અર્થ સંવાદિતા છે. ધર્મનો અર્થ એકતા છે. લોકોને પ્રેમ કરવા કરતાં મોટો કોઈ ધર્મ ન હોઈ શકે.

જ્યારે આપણે જન્મીએ છીએ, ત્યારે આપણે એકલા જન્મીએ છીએ. જ્યારે આપણે જઈએ છીએ, ત્યારે આપણે એકલા જઈએ છીએ. તો શા માટે હિંસા, શા માટે લડાઈ, શા માટે અશાંતિ? યાદ રાખો, જો તમે લોકોને પ્રેમ કરો છો તો તમે કંઈપણ જીતી શકો છો. પરંતુ, જો તમે તમારી જાતને અલગ રાખશો, તો તમે કોઈને પણ જીતી શકશો નહીં. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે જ્યારે કોઈને દુઃખ થાય છે, પછી ભલે તે શોષિત હોય, ઉપેક્ષિત હોય, વંચિત હોય, અત્યાચારનો ભોગ બને કે પછી કોઈપણ ધર્મનો હોય, અમે બધાની સાથે ઉભા છીએ.

કોઈપણ ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, હું બધાને કહેવા માંગુ છું કે દરેકને પરવાનગી સાથે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ કાયદો પોતાના હાથમાં ન લો. ભલે તે કોણ હોય. કાયદા તોડનારાઓની કોઈ જરૂર નથી. જે શાંત મન રાખે છે, તે જીતે છે.