ઉત્તરાખંડના હરિદ્વારમાં ૧૭ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ધર્મ સંસદનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાના મામલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની પ્રતિક્રિયા આવી છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી પર નિશાન સાધતા ગેહલોતે કહ્યું છે કે હરિદ્વારમાં યોજાયેલી ધર્મ સંસદે દેશને હચમચાવી નાખ્યો છે.

ગેહલોતે કહ્યું કે આ ધર્મ સંસદમાં જે નિવેદનો કરવામાં આવ્યા તેની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ આ મુદ્દે અત્યાર સુધી મૌન કેમ સેવ્યું છે. શા માટે તે આવી ભાષાનો ઉપયોગ કરનારા લોકો સામે કોઈ પગલાં નથી લેતા? ગેહલોતે કહ્યું કે દુનિયાને અહિંસાનો પાઠ ભણાવનાર દેશમાં આવી ભાષા બોલવી આપણી સંસ્કૃતિની વિરુદ્ધ છે.

સોશિયલ મીડિયા પર આ મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસના ઘણા નેતાઓએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને ભાજપના મૌનને ઘેરી લીધું છે. ગેહલોતે બીજેપીને વધુ ઘેરતા કહ્યું કે આપણા દેશમાં કોઈપણ અસામાજિક તત્વ લોકોને મારવા માટે ઉશ્કેરે છે અને તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, તે ફક્ત જંગલરાજમાં થાય છે જે ભાજપ શાસિત રાજ્યોમાં બન્યું છે.

ગેહલોતે વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાની નોંધ લઈને કાર્યવાહી કરવી જાઈએ. સાથે જ સામાન્ય નાગરિકોને અપીલ કરતાં તેમણે કહ્યું કે આપણે સૌએ નક્કી કરવાનું છે કે શું આવા હિંસક અને હત્યા માટે ઉશ્કેરનારા કોઈ ધર્મના પ્રતિનિધિ હોઈ શકે? આપણે વિચારવું પડશે કે આ લોકો આપણને ક્યાં લઈ જવા માંગે છે.

ઉત્તરાખંડના હરિદ્વારમાં ૧૭ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર સુધી ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા સાધુ-સંતોએ પ્રવચનો આપ્યા હતા. આ ભાષણોમાંથી કેટલાક સંતોના વાંધાજનક શબ્દો ધરાવતા વિવાદાસ્પદ ભાષણો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં ધાકધમકી અને હિંસાના નિવેદનો છે.