તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીના રોલમાં જોવા મળેલી દિશા વાકાણી ૨૦૧૭માં મેટરનિટી લીવ પર ગઈ ત્યારથી હજી સુધી પરત ફરી નથી. માત્ર જેઠાલાલ, ટપ્પુ અને ગોકુલધામવાસીઓ જ નહીં પરંતુ દર્શકો પણ દયાભાભીની રાહ જોઈને હવે તો થાક્યા છે. પરંતુ ખૂબ જલ્દી તેની શોમાં એન્ટ્રી થશે તેમ લાગી રહ્યું છે. લેટેસ્ટ એપિસોડમાં જ્યારે સુંદરલાલ જ્યારે અમદાવાદથી મુંબઈ આવ્યો ત્યારે જેઠાલાલ વારંવાર તેને દયા ક્યારે આવશે તેમ પૂછી રહ્યા હતા, પરંતુ તે દરેક વખતે જવાબ આપવાનું ટાળી દેતો હતો. જે બાદ તારક મહેતા સાથે મળીને જેઠાલાલે પ્લાન બનાવ્યો હતો અને તેઓ બીજીવાર લગ્ન કરી રહ્યા હોવાનું કહી સુંદરલાલને પરત બોલાવ્યો હતો. જ્યારે તે આવ્યો ત્યારે ભીડે જેઠાલાલ માટે છોકરી શોધી રહ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, આ માત્ર એક નાટક જ હોવાનું સુંદરલાલે પકડી પાડ્યું હતું. સુંદરલાલે કહ્યું હતું કે, તેના જીજાજી એટલે કે જેઠાલાલ તેના પરિવારને ખૂબ પ્રેમ કરે છે અને તેઓ બીજા લગ્ન વિશે ક્યારેય વિચારી પણ ન શકે. જે બાદ બધાએ ફરીથી તેને દયાભાભી ગોકુલધામ ક્યારે આવશે તેમ પૂછવા લાગ્યા હતા. સુંદરે કહ્યું હતું કે, તે તેમને અત્યારે કહી શકે નહીં કારણ કેતેના માતા પોતાની રીતે બધાનને જણાવવા ઈચ્છતા હતા. જે બાદ સુંદરે તેની બહેનાને આ દિવાળી પર ગોકુલધામમાં પરત મોકલી દેશે તેવું વચન આપ્યું હતું. દરેક વ્યક્તિ ખૂબ ખુશ થઈ હતી તો જેઠાલાલ ખુશીને પચાવી શક્યા નહોતા અને તેમની આંખમાં ખુશીના આંસુ આવ્યા હતા. જે બાદ સુંદરે દયા પ્રત્યેના જેઠાલાલના બિનસ્વાર્થી પ્રેમના વખાણ કર્યા હતા. જેઠાલાલની સાથે-સાથે તારક મહેતા, ચપ્પુ, બાપુજી, ભીડે, માધવી, પોપટલાલ અને અજલી પણ દયાભાભીની ખબર સાંભળી ઉત્સાહિત થયા હતા. બાદમાં તમામે બીજા લગ્નના નાટક માટે બાપુજીની માફી માગી હતી. જેઠાલાલ, ટપ્પુ અને બાપુજીએ ગરબા કર્યા હતા ત્યારે સુંદર પાછો આવ્યો હતો અને જેઠાલાલને ૪૦ હજાર રૂપિયા હતા. આ સાથે તેણે નટ્ટુ કાકાએ તેને ૨૦ હજાર દીધા હોવાનું કહ્યું હતું. જેઠાલાલને ત્યારે સુંદરે ફરીથી તેના પૈસા પડાવ્યા હોવાની જાણ થઈ હતી. જણાવી દઈએ કે, દિશા વાકાણી મેટરનિટી લીવ બાદ પરત ફરશે તેવી આશા હતી, જે ઠગારી નીવડી હતી. જ્યારે તેમના કમબેકના સમાચાર આવ્યા ત્યારે તે ફરીથી મમ્મી બની હતી. મેકર્સ આસિત મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દિશા વાકાણીના કમબેકના સવાલ અંગે તેઓ થાકી ગયા છે. તેઓ પણ ઈચ્છે છે કે તે શોમાં આપી પાછી. પરંતુ હાલ તે પરિવાર સાથે રહેવા માગે છે. તેને બે બાળકો છે અને તેથી પાછા આવવા માટે દબાણ ન કરી શકાય. ઘણા સમયથી મેકર્સ દિશા વાકાણીને રિપ્લેસ કરી શકે તેવી એક્ટ્રેસની શોધમાં છે પરંતુ તેમને હજી સુધી સફળતા મળી નથી.