તાજેતરમાં કર્ણાટકના બે જિલ્લાઓ ચિક્કમગલુરુ અને મુડિગેરેમાં કાંગ્રેસ સરકારે આંગણવાડીના શિક્ષકોની નોકરી માટે અભ્યર્થના કરનારા માટે પાત્રતા તરીકે ઉર્દૂ આવડવી આવશ્યક હોવાનો નિયમ કર્યો. હેતુ એ જ કે બાળકોને નાનપણથી ઉર્દૂ શીખવાડી શકાય. તેની સામે ભાજપે હોબાળો કર્યો. ભાજપના નલીનકુમાર કટીલે કહ્યું કે કાંગ્રેસનો આ ફતવો માત્ર મુસ્લિમોને નોકરી અપાવવા માટે છે અને મુસ્લિમ તુષ્ટિકરણ માટે છે.
આ વાત કેટલી વિરોધાભાસી છે! એક તરફ, કર્ણાટકની કાંગ્રેસ હિન્દીનો વિરોધ કરે છે. ત્યાં તેઓ પ્રાદેશિક અસ્મિતાની વાત લઈ આવે છે અને કન્નડ ભાષા પ્રેમી બની જાય છે, પરંતુ આંગણવાડીના શિક્ષકો માટે તેમને ઉર્દૂનો વિરોધ નથી.
કોઈ કહેશે કે ભાષા તો ભાષા છે, તેનો વિરોધ ન હોઈ શકે. વળી, ઉર્દૂ તો ભારતની જ ભાષા છે. તો તેનો સ્પષ્ટ ઉત્તર છે ના જી. આ વાત આપણને ઘૂંટીઘૂંટીને પીવડાવી છે તેથી આપણે પણ (અને હવે તો સાધુ-સંતો અને કથાકારો જેઓ ચોવીસ કલાક શુદ્ધ હિન્દીના વાતાવરણમાં રહેતા હોવાથી શુદ્ધ હિન્દી અથવા પ્રાદેશિક ભાષાની છાંટવાળી હિન્દી બોલે તેવી અપેક્ષા હોય, તેઓ પણ દવા અને દુઆ, જહન, તહે દિલ સે શુક્રિયા જેવું ઉર્દૂ બોલવા લાગ્યા છે.) એવું માનવા લાગ્યા છીએ કે ભાષાનો વિરોધ ન હોય અને ઉર્દૂ તો ભારતની જ ભાષા છે.
આપણે ત્યાં ગુજરાતી, હિન્દી કે અન્ય ભાષાનું અભિયાન ચલાવનારા પણ આ ભાષાઓનો આગ્રહ કરતી વખતે પણ એક વાક્ય તો અચૂક બોલશે જ કે અંગ્રેજીનો વિરોધ નથી. આ શરત તમારે શું કામ બોલવી પડે છે! કોણ તમને જેલમાં પૂરી દેશે જો તમે આ નહીં બોલો તો? આયુર્વેદની વાત કરતી વખતે બોલશે કે એલોપેથીનો વિરોધ નથી. યોગ કરાવતી વખતે કહેશે કે યોગ કોઈ ધર્મ સાથે જોડાયેલો નથી. આ બધાં ડિસ્ક્લેઇમર તમારે નહીં, ઉર્દૂ, અંગ્રેજી કે એલોપેથીની વાતો કરનારાઓએ ખરેખર તો કહેવા જોઈએ.
ઉર્દૂનો જન્મ કેવી રીતે થયો? છઠ્ઠીથી સદીથી સિંધ પર મુસ્લિમોના આક્રમણો થવા લાગ્યાં હતાં. ધીમેધીમે સિંધ સહિતના પ્રદેશો તેમના કબજામાં આવ્યા. આથી બાદશાહોને વહાલા થવા તેમની ભાષાના શબ્દો કેટલાક લોકો અપનાવવા લાગ્યા.
કુત્બ ઉદ દિન ઐબક નામનો તુર્ક દાસ દિલ્લીનો શાસક બન્યો. ત્યારથી ભારતમાં મુસ્લિમ શાસન આરંભાયું તેમ ઇતિહાસ કહે છે. ત્યારથી હિન્દીમાં ફારસી અને તુર્કી શબ્દો ઘૂસવા લાગ્યા. હજુ અરબી શબ્દોને વાર હતી. ઔરંગઝેબના શાસનના અંત સુધીમાં એક બોલી ઉભરી આવી. તેને ઝબાન-એ-ઉર્દૂ કહેવાઈ. તુર્ક શબ્દ ઓર્દુ અથવા ઓર્દાનો અર્થ થાય છે સેના. આમ, ઝબાન એ ઉર્દૂ એટલે સેનાની ભાષા (ખરેખર તો બોલી. ભાષા ન કહી શકાય કારણકે તેને પોતાની લિપિ નહોતી). ભારતના નાનકડા ભાગ પર શાસન કરનારની સેના જે બોલી બોલતી તે ઉર્દૂ. પહેલાં હિન્દવી ફારસી લિપિમાં લખાતી હતી. સેના દ્વારા બોલાતી બોલીને તે વખતે તો ઉર્દૂ નહોતી કહેવાતી પરંતુ મૂર્સ કહેવાતી હતી. સુરત વગેરે જગ્યાએ પર્યટન કરનાર ખ્રિસ્તી પ્રિએસ્ટ જાન આૅવિંગ્ટને ઈ. સ. ૧૬૮૯માં લખ્યું હતું કે “મૂર્સ (મુસ્લિમો)ની ભાષા ભારતના મૂળ નિવાસીઓની પ્રાચીન મૂળ ભાષા કરતાં અલગ છે (અહીં નોંધવું જોઈએ કે આજે વિદેશી જ્યાર્જ સોરોસ જેવાના હાથા બનીને દક્ષિણની પ્રજા કે આદિવાસીઓને જ મૂળ નિવાસી કહેવાનું ચાલુ થયું છે પરંતુ જાન આૅવિંગ્ટન ભારતમાં રહેનારા બધાને મૂળ નિવાસી ગણાવે છે). વળી, મૂરોની બોલી (તે વખતે તે ભાષા હતી જ નહીં, બોલી હતી કારણકે તેને કોઈ લિપિ પોતાની નહોતી.) લખવા માટે તેને અન્ય લિપિનો આશ્રય લેવો પડે છે.”
૧૮મી સદીમાં જ્યારે આમ તો મોગલ શાસન કાળ અસ્ત ભણી હતો ત્યારે દુઃખની વાત એ છે કે આ બોલીનું ભાષારૂપ થવા લાગ્યું. પોતાની તો કોઈ લિપિ હતી જ નહીં. એટલે તેણે નાસ્તલિક અથવા ફારસી લિપિ ઉછીની લીધી. આપણે અમેરિકામાં જઈએ અને ત્યાં ગુજરાતી કે હિન્દી શબ્દો બોલવા લાગીએ અને આપણી તો વૈજ્ઞાનિક ભાષા છે, એટલે આપણી દરેક ભાષાની પોતાની અનોખી લિપિ પણ છે. એ દેશ પર આપણી લિપિ અને ભાષા થોપીએ તો ચાલે? લડાઈ થઈ જાય ને?
ભારતમાં પણ થવી જોઈતી હતી. થઈ નહીં! આ મુદ્દે તો ન જ થઈ. હવે ગરબડ એ થઈ કે પંથાંધ ઔરંગઝેબ તો ઈ. સ. ૧૭૦૭માં મરી ગયો હતો, પણ અગાઉ કહ્યું તેમ મોગલ રાજ તો ચાલુ હતું. ૧૭૧૫માં નવાબ સદરુદ્દીન ખાને પહેલી વાર ઉર્દૂમાં કવિતાઓ લખી અને કવિતાઓનો સંપુટ પ્રગટ કર્યો. સંપુટને ‘દીવાન’ કહેવાય છે. અહમદશાહ બહાદુરના સમયમાં ખાન એ આરઝુએ ઉર્દૂ-પર્શિયન શબ્દકોશ પ્રગટ કર્યો. કવિતા લખાઈ એટલે હવે ઉર્દૂ બોલી એટલે કે સેનાની બોલી સાહિત્યકારોની ભાષા બનવા લાગી. આમ પણ રાજા જે ભાષાને પોષે તે ભાષા તેની પ્રજા આપોઆપ સ્વીકારવા લાગતી હોય છે. દેશ પર દસ વર્ષનાં ભાજપ શાસનમાં સંસ્કૃતમય હિન્દી કે ૨૮ વર્ષના ગુજરાત ભાજપના શાસનમાં
સંસ્કૃતમય ગુજરાતી જેવી ભારતીય ભાષાઓના ગૌરવનું પુનર્સ્થાપન નથી થયું તે જુદી વાત છે. ઉલટું, મહારાષ્ટ્ર જ્યાં ઉર્દૂનો ઓછો પ્રભાવ હતો ત્યાં ૧૧ શહેરોમાં ઉર્દૂ હાઉસની સ્થાપના કરાઈ છે. મૂળ બાળાસાહેબના વિચારો પર કલંક એવા ઉદ્ધવ ઠાકરેની શરદ પવાર અને કાંગ્રેસની સાથે ગઠબંધનવાળી સરકારે ઉર્દૂ હાઉસની સ્થાપનાનો ૨૦૨૨માં આદેશ આપેલો જેને જોરશોરથી ભાજપની શિવસેના-રા.કાં.પ.વાળી સરકાર આગળ વધારી રહી છે.
આ ઉર્દૂનાં બીજાં કેટલાંક નામો પણ જાણવા જોઈએઃ હિન્દવી, રેખ્તા, ઉર્દૂ એ મુલ્લા, દખિણી, મૂર્સ, દહેલવી. આમાં રેખ્તા નામે જબરદસ્ત શબ્દકોશ ચાલુ કરાયો છે અને તેના આયોજકો ૨૦૧૫થી ‘જશ્ન-એ-રેખ્તા’ આયોજિત કરે છે. તેમાં શુદ્ધ હિન્દી બોલી શકતા કુમાર વિશ્વાસ, મનોજ મુંતશિર વગેરે જાય છે ત્યારે તેઓ પણ ઉર્દૂના ગુણગાન કરવા લાગે છે. આની સામે દુઃખની વાત એ છે કે શુદ્ધ હિન્દીના નામે હિન્દી કવિ સંમેલનો થાય છે તેમાં માત્ર કામેડી થાય છે. છંદ-પ્રાસનો કંઈ મેળ હોતો નથી. જાક કહેવાય છે. અને કવયિત્રીઓની તો અશ્લીલ મજાકો થાય છે. કવિઓ તેમને પૂરું બોલવા પણ દેતા નથી. કવયિત્રીઓ પોતાના કવિતાના શોખને પોષવા આ બધું ચલાવી લે છે. ન તો શુદ્ધ હિન્દીનો એવો કોઈ શબ્દકોશ આૅનલાઇન છે.
હવે આ રેખ્તાના આયોજકોએ ગુજરાતીમાં પણ આગમન કર્યું છે. અહીંના સાહિત્યકારોને પણ પળોટવા પ્રયાસ કરી રહ્યા છે. આૅનલાઇન શબ્દકોશ પણ ગુજરાતી ભાષાનો બનાવ્યો છે. ગુજરાતીમાં આમેય પારસીઓ સાથે સાંસ્કૃતિક મિલનસારિતાના કારણે અને અહીં પણ મોગલોના સૂબાઓ, અહમદશાહ જેવા બાદશાહો, નવાબોના કારણે વહીવટમાં ‘સાહેદ’, ‘મુકરર’, ‘મુચરકો’ વગેરે શબ્દો ઘૂસી જ ગયા છે અને અધૂરામાં પૂરું રમણલાલ નીલકંઠ જેમને શુદ્ધ ગુજરાતી ભાષાથી ચીડ હોવી જોઈએ કાં તો ડીએનએમાં દાસતાના ગુણો વ્યાપી ગયા હશે, કાં અંગ્રેજોના વ્હાલા થવું હશે (તેમને બ્રિટિશ શાસકોએ રાય બહાદુર અને નાઇટહુડથી સન્માનિત કરેલા) જેથી અંગ્રેજીના ગુજરાતી એવા શબ્દો આપ્યા અને તેને હાસ્યાસ્પદ બનાવી દીધા. આ માટે એક ભદ્રંભદ્ર નામનું પાત્ર સર્જ્યું. એટલે તે પછી ગુજરાતી કેટલાક તંત્રીઓ પણ અંગ્રેજીના બદલે ગુજરાતી શબ્દો વાપરવામાં આવે તો એમ કહે કે આ ભદ્રંભદ્ર લાગશે.
ચંદ્રકાંત બક્ષીએ તેમના સામ્યવાદી વિચારસરણીના લેખનકાળમાં ઉર્દૂનું મહિમામંડન કર્યું અને હમપ્યાલા, હમનિવાલા જેવા શબ્દો તો ભારતીય ભાષામાં નથી તે અર્થનું લખ્યું.
ફરીથી મોગલો અને અંગ્રેજોના સમયમાં આવી જઈએ. સેનાની બોલી હતી તે સાહિત્યકારોની ભાષા બનવા લાગી. દારૂડિયાઓ અને લંપટ મુસ્લિમ ગઝલકારોએ આ ભાષામાં ગઝલો લખવા લાગ્યા અને તેમાં કુતર્ક કરીને કોઈને ન સમજાય તેમ હિન્દુ ધર્મનો વિરોધ કરાવા લાગ્યો, જેમ કે નવાબ મિર્ઝા ખાને ‘દાગ દહેલવી’ના ઉપનામ (તખલ્લુસ, યૂ ના!) એ લખ્યું,
વો દિન ગએ કિ ‘દાગ’ થી હર દમ બુતોં કી યાદ,
પઢતે હૈ પાઁચ વકત કી અબ તો નમાઝ હમ
બોલો, આ નવાબ નમાઝ પઢવા લાગ્યા એટલે એને બુત એટલે કે ભગવાનની મૂર્તિનું સ્મરણ દાગ લાગે છે.
તો, ફૈઝ અહમદ ફૈઝ, જેની ગઝલ જેએનયૂના સામ્યવાદી પ્રાધ્યાપકો અને લાલ ઝંડાવાળા વિદ્યાર્થીઓ બહુ ગાય છે (હમ દેખેંગે, લાજમિ હૈ કિ હમ દેખેંગે) તેમાં તેઓ કહે છેઃજબ અર્ઝ એ ખુદા કે કાબે સે, સબ બુત ઉઠવાયે જાયેંગેબચાવ કરનારા એમ કહે છે કે આ તો તેમણે પાકિસ્તાની સત્તાના વિરોધમાં લખી હતી. પરંતુ આગળ વાંચો.
સબ તાજ ઉછાલે જાએંગે, સબ તખ્ત ગિરાએ જાએંગે
બસ નામ રહેગા અલ્લાહ કા, જો ગાએબ ભી હૈ, હાજિર ભી
ભારતની સ્વતંત્રતાની ચળવળ ચાલતી હતી ત્યારે અનેક સ્વતંત્રતા સેનાનીઓએ ઉર્દૂને સ્વીકારી લીધી હતી. તેમને અંગ્રેજોનો અને અંગ્રેજીનો તો વિરોધ હતો પરંતુ મોગલ શાસન પાછું આવે તો તેનો વિરોધ નહોતો. એટલે ૧૮૫૭માં મોગલ બહાદુરશાહ ઝફર માટે હિન્દુઓ પણ લડેલા. કરુણતા જુઓ કે ઇતિહાસકાર સુમિત સરકારે નોંધ્યા પ્રમાણે, ઈ. સ. ૧૮૮૧-૯૦ના દાયકામાં ઉર્દૂ સમાચારપત્રોનો ફેલાવો હિન્દી સમાચારપત્રોના ફેલાવા કરતાં બમણો હતો અને ઉર્દૂ પુસ્તકોનું વેચાણ હિન્દી પુસ્તકોના વેચાણ કરતાં ૫૫ ટકા વધુ હતું.
વીર સાવરકર આ ફારસી-અરબી-તુર્કી શબ્દોની ભેળસેળવાળી હિન્દીના વિરોધી હતા. તેમણે
સંસ્કૃતનિષ્ઠ હિન્દીનું સમર્થન કર્યું હતું. એટલું જ નહીં, તે માટે ભાષાશુદ્ધિ નામનું પુસ્તક પણ લખ્યું હતું. વીર સાવરકર છત્રપતિ શિવાજીથી પ્રેરિત હતા.
છત્રપતિ શિવાજી રાજવ્યવહારમાંથી ફારસી શબ્દો દૂર કરવાના દૃઢ મતના હતા. તેમણે રઘુનાથ પંડિતને આ કામ સોંપ્યું હતું. આજે જે શાસકો છત્રપતિ શિવાજી અને વીર સાવરકરના વારસાનો ગર્વ કરે છે તેઓ શું છત્રપતિ શિવાજી અને વીર સાવરકરના આ મહાન વિચારને માને છે? યોગી સરકારે રજિસ્ટ્રી દસ્તાવેજોમાંથી ઉર્દૂ-ફારસી શબ્દોને દૂર કરવાનો આદેશ આપ્યો છે. ગુજરાત અને મોદી સરકાર આ બાબતે પ્રેરણા લઈ શકે છે.
પરંતુ સ્વતંત્રતા લડાઈના પટમાંથી વીર સાવરકરને અંગ્રેજોએ પકડીને કાળા પાણીની સજા કરી દીધી અને ગાંધીજી ઉભરી આવ્યા. ગાંધીજી અને નહેરુ અંગ્રેજોને માફક આવે તેવા બધી રીતે હતા. એટલે જ્યારે રાષ્ટ્રીય ભાષા નક્કી કરવાની થઈ ત્યારે સંવિધાન સભાના અધ્યક્ષ ડા. બાબાસાહેબ આંબેડકર અને મુસ્લિમ વિદ્વાન નઝીરુદ્દીન અહમદ જેવા લોકો સંસ્કૃતને સત્તાવાર ભાષા બનાવવાના આગ્રહી હતા, પણ ગાંધીજી-નહેરુએ હિન્દુસ્તાની (એટલે કે ઉર્દૂ)ને સત્તાવાર ભાષા બનાવવા કહ્યું. દક્ષિણનાં રાજ્યોએ તેનો વિરોધ કર્યો. એટલે અંગ્રેજી સત્તાવાર ભાષા બની. સંસ્કૃત બનાવાઈ હોત તો આવું ન થાત. મુસ્લિમ શાસકો અને અંગ્રેજ કાળમાં જે કામ ઉર્દૂ સાહિત્યકારોએ કર્યું તે કામ હિન્દી ફિલ્મો શરૂ થતાં તેમાં ઘૂસેલા મુસ્લિમ ગીતકારો અને સંવાદ લેખકોએ કર્યું. વિચાર કરો! ફિલ્મનું નામ અંગ્રેજી છે. લવ ઇન સિમલા. હિરોઇન તે જમાનામાં શર્ટ-પેન્ટ પહેરે છે. પણ ફિલ્મમાં એક ગીતમાં ઉર્દૂ મૂળાક્ષરો શીખવાડી દીધા- અલીફ ઝબર આ. તેમાં એ ફાર એપલ, ગુજરાતીમાં ગ ગણપતિનો ગની જેમ કહે છે અલીફ સે અલ્લાહ, બે સે બાગબાં. શાહરુખ ખાન ‘છૈય્યા છૈય્યા’માં કહે છે, વો યાર હૈ જો ખુશ્બૂ કી તરહ, જિસ કી જુબાં ઉર્દૂ કી તરહ. ક્યારેય એવું સાંભળ્યું જિસ કી ભાષા સંસ્કૃત કી તરહ. ફિલ્મોમાં તો સંસ્કૃત અને સંસ્કૃત બોલનારનો ઉપહાસ જ કરાયો.
અલગ પડેલા પાકિસ્તાને (એટલે કે ભારતનું વિભાજન કરી અલગ દેશ મેળવનાર મુસ્લિમોએ) પોતાના દેશમાં ઉર્દૂ ભાષા થોપી દીધી. પંજાબમાં પંજાબી, સિંધમાં સિંધી, પૂર્વ પાકિસ્તાન (એટલે કે પૂર્વ બંગાળ)માં બંગાળી વગેરે ભાષા બોલાતી હતી. પંજાબી અને સિંધી લોકોએ તો ઉર્દૂ અપનાવી લીધી પણ બંગાળી લોકો અસ્મિતામાં બહુ માને. તેમણે તેનો વિરોધ કર્યો અને ભારતની સહાયથી અલગ દેશ બનાવ્યો. તેનું નામ પણ, તમે જુઓ, પાકિસ્તાન જેવું ન રાખ્યું. બાંગ્લાદેશ રાખ્યું. આજે કરુણતા એ છે કે ત્યાં અમેરિકા અને રાહુલ ગાંધી સમર્થિત શાસનમાં કટ્ટરો ઝીણાની મરણતિથિ ઉર્દૂ ગીતો સાથે ઉજવાઈ રહે છે!
ભારતથી અલગ વસેલા મુસ્લિમોએ પાકિસ્તાનમાં જે કર્યું તે જ હવે કાંગ્રેસે કર્ણાટકથી શરૂ કર્યું છે. આ સંયોગ નથી. પ્રયોગ જ છે.