સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉમર ખાલિદ, શરજીલ ઇમામ, ગુલ્ફીશા ફાતિમા અને મીરાન હૈદરની જામીન અરજીઓ પર સુનાવણી ૧૯ સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી હતી. ત્રણેયે ફેબ્રુઆરી ૨૦૨૦ માં રાષ્ટ્રિય રાજધાનીમાં થયેલા રમખાણોના કથિત કાવતરા સાથે સંબંધિત યુએપીએ કેસમાં જામીન અરજીઓ દાખલ કરી હતી. ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એનવી અંજારિયાની બેન્ચે કહ્યું કે તેમને ફાઇલો ખૂબ મોડી મળી.આરોપીઓએ ૨ સપ્ટેમ્બરના દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકાર્યો છે, જેમાં ખાલિદ અને ઇમામ સહિત નવ લોકોને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે નાગરિકો દ્વારા પ્રદર્શનો અથવા વિરોધ પ્રદર્શનોની આડમાં કાવતરું ઘડવામાં આવતી હિંસાને મંજૂરી આપી શકાતી નથી.જેમના જામીન ફગાવી દેવામાં આવ્યા છે તેમાં ખાલિદ, ઇમામ, ફાતિમા, મોહમ્મદ સલીમ ખાન, શિફા ઉર રહેમાન, અતહર ખાન, મીરાં હૈદર, અબ્દુલ ખાલિદ સૈફી અને શાદાબ અહમદનો સમાવેશ થાય છે. અન્ય આરોપી તસ્લીમ અહમદની જામીન અરજી ૨ સપ્ટેમ્બરના રોજ હાઇકોર્ટની બીજી બેન્ચ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.હાઇકોર્ટે કહ્યું હતું કે બંધારણ નાગરિકોને વિરોધ પ્રદર્શન અથવા આંદોલન કરવાનો અધિકાર આપે છે જા તેઓ વ્યવસ્થિત, શાંતિપૂર્ણ અને શસ્ત્ર વિના હોય અને આવી કાર્યવાહી કાયદાના દાયરામાં હોવી જાઈએ. જાકે, હાઇકોર્ટે કહ્યું કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાનો અને જાહેર સભાઓમાં ભાષણ આપવાનો અધિકાર કલમ ૧૯(૧) હેઠળ સુરક્ષિત છે. તેને સ્પષ્ટપણે મર્યાદિત કરી શકાતો નથી, તેણે એમ પણ કહ્યું કે આ અધિકાર સંપૂર્ણ નથી અને વાજબી પ્રતિબંધોને આધીન છે.ખાલિદ, ઇમામ અને બાકીના આરોપીઓ પર ફેબ્રુઆરી ૨૦૨૦ માં થયેલા રમખાણોના માસ્ટરમાઇન્ડ હોવાના આરોપસર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને આઇપીસીની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ૫૩ લોકો માર્યા ગયા હતા અને ૭૦૦ થી વધુ ઘાયલ થયા હતા. સીએએ અને એનઆરસી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આરોપીઓ ૨૦૨૦ થી જેલમાં છે.









































