અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા સાવરકુંડલા તાલુકામાં સફળ રેઇડ કરી મોટા ઝીંઝુડા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ રકમ અને જુગાર સાહિત્ય સાથે પકડી પાડવામાં આવ્યા છે. એલ.સી.બી. ટીમ સાવરકુંડલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે મોટા ઝીંઝુડા ગામે જુગાર અંગે રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૧૩,૪૦૦/- અને ગંજીપત્તાના ૫૨ પાના જપ્ત કર્યા હતા. આમ, કુલ રૂપિયા ૧૩,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ખાંભા તાલુકાના ઉમરીયા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા ૬ શખ્સો પૈકી બે પોલીસની હાથે ઝડપાયા હતા જ્યારે બાકીના ચાર શખશો પોલીસને જોઈને નાશી છૂટ્યા હતા. સ્થળ પરથી પોલીસને ૩૨,૦૦૦થી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
લાઠી તાલુકાના અડતાળા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા જ્યારે અન્ય ચાર શખ્સો પોલીસને હાથ તાળી આપી છટકી ગયા હતા. પોલીસે સ્થળ પરથી ૧૭૦૦૦ થી વધુનો મુદ્દામાલ પકડી પડ્યો હતો.







































