સરપંચની ચૂંટણીમાં રૂપિયા વહેંચાયા!
વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચારમાં વિવાદિત નિવેદન કરતાં ચકચાર મચી ગઇ છે. પળગામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રમણ પાટકર એક ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા વિવાદિત સંબોધન કર્યું હતું. જાકે, બીજી તરફ ભાજપ તરફથી નિવેદન આવ્યું કે, ભાજપને પાટકરના નિવેદન સાથે કોઈ લેવાદેવા નથી.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ચૂંટણી પ્રચાર શાંત થયો ત્યાં નવો વિવાદ જાગ્યો છે. છેલ્લી ઘડીના સમયમાં ઉમરગામના ધારાસભ્યનો જાહેરમાં સરપંચને રૂપિયા આપ્યોનો વીડિયો વાયરલ થતા ઘણા પ્રશ્નો ઊભા થયા છે. શુક્રવારના રોજ બપોરે અંતિમ સમયમા ઉમરગામ તાલુકાના પળગામ ખાતે ધારાસભ્ય રમણ પાટકર એક સરપંચને સમર્થન આપવા પહોંચ્યા હતા. જેમાં એમની જીભ લપસી જતા ચૂંટણી ટાણે એમના સમર્થિત સરપંચોને રૂપિયા આપ્યાનું જાહેરમાં જણાવ્યું હતું.
તેઓ જ્યાં ગયા હતા એ ગામના ઉમેદવારને પણ પૈસા આપ્યાનું જણાવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખુદ ધારાસભ્ય હોવા છતાં આ વિસ્તારમાં અઢી હજાર એકરનો જમીન ગોટાળો થયાનું પણ જાહેરમાં કબૂલ્યુ હતું. તેમજ ક્રિકેટ મેદાનમાં પણ બોગસ કાગળિયાં થયાની વાતો જણાવી હતી. હવે આટલું બધું થતું હોય અને ધારાસભ્ય જાણતાં હોય તો પછી અઢી હજાર એકરનો ગોટાળો કેમ બહાર કાઢતા નથી તેવા સવાલો ઉઠ્યા છે. હાલ તો ચૂંટણી સમયે એમના માનીતા સમર્થિત સરપંચોને પૈસા આપ્યા હોવાનો વીડિયો વાયરલ થતા ઘણા પ્રશ્નો ઊભા થવા પામ્યા છે.
પાટકરે જાહેરમાં જણાવ્યું હતું કે જ્યાં સત્તાધારી પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં જ વિકાસ થશે. આથી ગામના વિકાસ માટે સત્તાધારી પાર્ટીના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી. આટલેથી ન અટકતા તેઓએ આગળ જણાવ્યું હતું કે, અમારા સમર્પિત ઉમેદવારોને અમે પૈસા આપ્યા છે અને ક્્યાંક ખોટા કામો થયા હોવાનો પણ જાહેરમાં જણાવ્યું. આમ, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ ધારાસભ્ય રમણ પાટકરે શરૂ કરેલા ભાજપ કોંગ્રેસના રાજકારણને લઈ જિલ્લાનું રાજકારણ ગરમાંયું છે. જાકે વિવાદ વધતા રમણ પાટકરે પોતે કરેલા વિવાદિત નિવેદન બદલ પોતાના બચાવ કરી રહ્યા છે..
ભાજપ દ્વારા રમણ પાટકરનું વ્યક્તિગત નિવેદન ગણાવી છેડો છેડ્યો હતો. ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે રમણ પાટકરના નિવેદનને વ્યક્તિગત નિવેદન જણાવ્યું. તેમણે કહ્યું કે, ભાજપને રમણ પાટકરના નિવેદન સાથે કોઈ લેવાદેવા નથી. ગ્રામ પંચાયતોની ચૂંટણી પાર્ટી સિમ્બોલ પર લડાતી નથી. તો બીજી તરફ, આવતીકાલે ૨૨ જુનના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે. રાજ્યની ૩૫૪૧ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી જ્યારે ૩૫૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. રાજ્યભરમાં ૩,૬૫૬ સરપંચો ની તથા ૧૬,૨૨૪ સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણી થશે. રાજ્યના ૮૧ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં ૧૦,૪૭૯ મતદાન મથકો પર મતદાન થશે. રાજ્યભરમાં ૩,૯૩૯ સંવેદનશીલ મતદાન કેન્દ્રો જ્યારે ૩૩૬ અતિ સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઈકાલ સાંજથી ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત છથયા હતા.