ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થતા દરખાસ્ત કરવામાં આવતા તા.૨૬/૧૦/૨૦૨૪ ના ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની તારીખ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી હતી. ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે ઉપલેટા મામલતદાર સમક્ષ ઉમેદવારી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં પાંચ બેઠકો પર ૧૦ ફોર્મ ભરાયા હતા જ્યારે આઠ બેઠકો પર એક એક ફોર્મ ભરવામાં આવ્યા હતા. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં હરીફોના તમામ ફોર્મ પરત ખેંચાઈ જતા તે ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા ગણાતા જેતપુરના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા્‌નો સહકારી ક્ષેત્રમાં ફરી એક વખત દબદબો નજરે પડ્‌યો છે. ચૂંટાયેલા સભ્યોમાં મોહદાભાઈ ચંદ્રવાડીયા, મનસુખભાઈ સોજીત્રા, દલપતભાઈ માકડીયા, જીતેન્દ્રભાઈ માકડીયા, ગોપાલભાઈ સખીયા, છોટુભા ચુડાસમા, ધીરજભાઈ રૂપાપરા, વલ્લભભાઈ મુરાણી, બાબુભાઈ હુંબલ, અશોકભાઈ કથીરિયા, ભુરાભાઈ ભોપાળા, રમેશભાઈ ખાટ અને દીપનભાઈ જાવિયાનો સમાવેશ થાય છે. બિનહરીફ જાહેર થયેલા તમામ ડિરેક્ટરોને જયેશભાઈ રાદડિયા તેમજ ભારતીય જનતા પક્ષના આગેવાનોએ શુભેચ્છા આપી હતી.