ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે ૧૯ એપ્રિલ ૨૦૨૨ના ઉપલેટા ઓનર કિલિંગ કેસમાં સુનિલ ઉર્ફે કરણ સોમજી સિંગરખીયાને આજીવન કેદની સજા ફટકારી છે. તેણે રીના અને અનિલની ધોળા દિવસે છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ કેસમાં નજરે જોનાર સાક્ષીઓ અને ફરિયાદી પણ હોસ્ટાઇલ થઈ ગયા હતા. જોકે, સરકારી વકીલ કાર્તિકેય પારેખે સંજોગોજન્ય પુરાવાઓ, જેમ કે સીસીટીવી ફૂટેજ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને હથિયારની રિકવરી રજૂ કર્યા હતા. કોર્ટે માણસ ખોટું બોલી શકે, પણ સંજોગો નહીં ના સિદ્ધાંતને આધારે સજા સંભળાવી હતી. અન્ય બે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં ઓનર કિલિંગના આવા કિસ્સા ભાગ્યે જ બને છે, ત્યારે આ ચુકાદો નોંધનીય છે.