ઉપલેટાના ધોરાજી રોડ પર આવેલા સાંઢીયા પુલ નીચે રેલવે ટ્રેક પરથી કોલકી ગામના ૨૫ વર્ષીય યુવાન પ્રવીણ ઉર્ફે પવો ગોવિંદભાઈ સોલંકી અને ૨૫ વર્ષીય જ્યોત્સનાબેન બાલાભાઈ વાઘેલા ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. આથી પોલીસને જાણ થતા દોડી આવી હતી અને ૧૦૮ મારફત બંનેને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે પ્રવીણને મૃત જાહેર કર્યો હતો. જ્યારે જ્યોત્સનાને વધુ સારવાર માટે ઉપલેટા સિવિલ હોસ્પિટલથી જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે. આ અંગેની જાણ થતા રેલવે પોલીસ પણ ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. ઝેરી દવા પીનાર જ્યોત્સના અને પ્રવીણ બંને પરિણીત હોવાનું સામે આવ્યું છે. બંનેએ શા માટે આ પગલું ભર્યું તે અંગે ભારે ચર્ચા લોકોમાં ઉઠી છે. હાલ તો સમગ્ર ઘટનાને લઈને ઉપલેટા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.