માનવજીવન એ ડગલે અને પગલે નવજીવન જીવવાની કલા શીખવે છે. આપણે બધાએ એક કથા સાંભળી છે કે બીજમાંથી છોડનું નિર્માણ થાય છે, છોડ વટવૃક્ષ બને છે અને અને
વૃક્ષ લોકોને ફળ, ફૂલ, વનસ્પતિ તેમજ લાકડું આપે છે. એ જ લાકડું કુહાડીનો હાથો બનીને તે જ વૃક્ષને કાપે છે. હાથો એ વૃક્ષની નીપજ છે. આવું જ બુદ્ધિશાળી લોકો અદ્ભુત કાર્ય કરતા હોય છે. ગમે તેટલી ડિગ્રીઓ અથવા હોશિયારી હોય પરંતુ આપણને જે વ્યક્તિએ મદદ કરી છે તેનો ઉપકાર ભૂલવો જોઈએ નહીં. હું મારી જ વાત કરુ કે બોર્ડના નિવૃત્ત મદદનીશ સચિવ સ્વર્ગસ્થ ધનજીભાઈ સાહેબ મને મારા ક્ષેત્રમાં આગળ લાવ્યા.આજે તેઓ હયાત નથી પરંતુ આજે મને જે પણ ઉપલબ્ધી મળી છે તે તેમને આભારી છે. હું તેમનું ઋણ ક્યારેય પણ ચૂકવી શકું તેમ નથી. આજે પણ તેમના પરિવાર સાથે જાડાયેલો છું અને દાદાને મનોમન યાદ કરીને ભાવાંજલિ વ્યક્ત કરું છું. કારણ કે તેમણે મારી આંગળી પકડી અને મને આગળ વધાર્યો. તેમને કેમ ભૂલી જવાય.
આજે તક મળી છે તો ઉપયોગ કરી લઈએ તેવા તકવાદી લાંબો સમય ટકી શકશે નહીં. ઘણી વખત અધિકારીઓની કાન ભંભેરણી કરી વ્હાલા થવાની હોડમાં ભૂતકાળ ભૂલી જાય છે અને તેમની માનસિકતા છતી કરતા હોય છે. જ્ઞાન અને હોશિયારી કોઈના બાપનો ઈજારો નથી. અમારા માસ્તરો એટલા બધા લાચાર થઈ જાય છે કે જે પણ આદેશ થાય તે “હાજી.. હાજી” કરીને સ્વીકારી લેવાનો. સાચી વાત કહેવાની ક્ષમતા એ જ કેળવણીનું સૌથી મુખ્ય કાર્ય છે. ઘણી વખત ગુલામીનો માહોલ હોય તેવું લાગે છે. ગાંધીજીની એક સૂચનાથી સરદાર પટેલે પ્રથમ વડાપ્રધાનનો હોદ્દો ત્યાગી દીધો કારણ કે ગાંધીજીનો આદેશ હતો. ખાલી ગુરુ ગુરુ કરીને વાહિયાત શબ્દોની માયા લગાડી લીટી લાંબી કરવી તે શિક્ષકના લક્ષણમાં આવે?
જીવનમાં આપણાથી થાય એટલું સારું કરવું પરંતુ કોઈએ કરેલો ઉપકાર ક્યારેય પણ ભૂલવો જોઈએ નહીં. મીઠી છુરી બનીને ઘા કરવા કરતા મોઢા ઉપર સ્પષ્ટ બોલવાની મર્દાનગી કેળવવાની તાતી જરૂરિયાત છે. સમય સારો હોય ત્યારે બધા તમારે પડખે ઊભા રહે પરંતુ તકલીફમાં જે ઉભો રહે તે જ અડીખમ કહેવાય. રાજ્યમાં કેટલાક એવા શિક્ષકો છે જે આપણા કરતાં પણ ઉત્તમ કામ કરે છે. આવા શિક્ષકોને તક મળે તો રાજ્યના શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર કામ થાય. મેં પણ મારા સમયગાળા દરમિયાન સારા વ્યક્તિઓને વિવિધ કચેરીઓમાં આપ્યા. આજે પોતાની યોગ્યતાથી બહુ આગળ છે તેનો મને આનંદ છે.
ઘણી વખત સીધી આંગળીથી ઘી ના નીકળે તો વાંકી કરવી પડે તેવું જ સમાજમાં બનતું હોય છે. “સત્યમેવ જયતે” લાંબા ગાળાની પ્રક્રિયા છે. જિંદગીમાં ધૂળની પણ જરૂર પડે છે. જ્યારે ઠોકર વાગે ત્યારે ખ્યાલ આવે પણ એ બહુ મોડું થઈ ગયું હોય છે. જેણે સારા કાર્યો કર્યા છે તેમને કોઈ રોકવાનું નથી. સ્વ પ્રગતિની સાથે અન્યની પ્રગતિ પણ અનિવાર્ય છે. “ઝાઝા હાથ રઢિયામણા” એવી કહેવત હવે ઓલ્ડ થઈ ગઈ છે. “સુણી સમયનો સાદ આપણે કરીશું નવી શરૂઆત” તેની જગ્યા આપણે પોતાની રીતે સેટ થઈ જઈશું. “મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખમાં અને દુઃખમાં બંનેમાં સાથે હોય” અહીંયા તો તકમાં આગળ હોય છે. કરેલા કર્મોનો હિસાબ એક દિવસ અચૂક આપવાનો જ છે. મેં તો અત્યાર સુધી બધા માટે સારું જ કર્યું છે તેનો મને આનંદ છે પરંતુ માણસો પારખવાની ભગવાને બુદ્ધિ નથી આપી તેનો પણ વિશેષ આનંદ છે.
“તેરી મહેરબાનીયા” એક ફિલ્મ છે તેમાં શ્વાન તેના માલિકને કેટલો વફાદાર હોય છે? ઘણી વખત સારા બુદ્ધિશાળી લોકો કેટલી સુંદર વાતો કરતા હોય છે. શિક્ષણનું મુખ્ય કાર્ય દેશના સારા નાગરિકો નિર્માણ કરવાનું છે. યોગ્યતા હોય તેવા વ્યક્તિ આગળ આવે પરંતુ જે વ્યક્તિએ તમારો હાથ પકડેલ છે તેને છોડી તમે ક્યારેય આગળ નહી આવો તે નક્કી છે. ત્યાગ કરવાની
વૃત્તિ બહુ મોટી ઉપલબ્ધિ છે. જે જીવન મળ્યું છે તેમાં સારું કામ થાય. કડવું પણ સત્ય તો બોલવું જ. હાજી હાજી કરવું તેમાં હું માનતો નથી.
શિક્ષક તો પોતાના સામર્થ્યનો રાજા છે. નવા સત્રથી સૌ સારસ્વત મિત્રોને વંદન કરું છું. ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો વર્ગમાં અસરકારક શિક્ષણ અને આત્મા રેડી ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરે તેવી અપેક્ષા છે. આખુ વિશ્વ વિરાટ છે. તેમાં આવડત અને યોગ્યતા મુકામ સુધી લઈ જશે. ક્યારેય પણ કપટ કરવું નહીં. માનવતાની મશાલ જીવંત રાખવી. શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના છે. સિકંદર ખુલ્લા હાથે ઉપર ગયો તેમ દરેક વ્યક્તિએ જવાનું છે એટલે થાય એટલું સારું કરવું બાકી બધું વ્યર્થ છે. સમજાય તેને વંદન ના સમજાય તેને અભિનંદન. યુદ્ધના મેદાનમાં તો યોદ્ધો એક જ હોય છે. વંદે માતરમ.. ભારત માતાકી જય..