દિલ્હીની એક અદાલતે ઉન્નાવ રેપ પીડિતાના રોડ અકસ્માત કેસમાં ભૂતપૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને નિર્દોષ જોહેર કરવામાં આવ્યા છે. સીબીઆઈએ પણ ઉન્નાવ રેપ પીડિતાના માર્ગ અકસ્માત કેસમાં કોઈ કાવતરું હોવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે સીબીઆઈ તપાસના પરિણામને સમર્થન આપ્યું છે.દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે ઉન્નાવ બળાત્કાર પીડિતાના ૨૦૧૯ના અકસ્માત કેસમાં ભાજપના હકાલપટ્ટી કરાયેલા ધારાસભ્ય અને બળાત્કારના આરોપી કુલદીપ સિંહ સેંગરને અકસ્માત કેસમાં નિર્દોષ જોહેર કર્યા છે. સેંગરને ૨૦૧૯માં ૨૦૧૭માં સગીર પર બળાત્કાર કરવાના એક અલગ કેસમાં આજીવન કેદની સજો ફટકારવામાં આવી હતી.
નોંધનીય છે કે વર્ષ ૨૦૧૯ માં, બળાત્કાર પીડિતા, તેના પરિવારના સભ્યો અને વકીલ કારમાં હતા ત્યારે રાયબરેલીમાં એક ઝડપી ટ્રકે તેમને ટક્કર મારી હતી, જેમાં પીડિતાના બે સંબંધીઓના મોત થયા હતા. પીડિતા અને તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી તેમને કાઢી દેવામાં આવ્યા હતા. ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને અન્ય નવ લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિત પરિવારે અકસ્માત પાછળ ષડયંત્ર હોવાનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી હતી.
નોંધનીય છે કે કુલદીપ સિંહ સેંગરને ૨૦ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ૨૦૧૭માં એક સગીર સાથે બળાત્કારના એક અલગ કેસમાં આજીવન કેદની સજો ફટકારવામાં આવી હતી. ૪ માર્ચ, ૨૦૨૦ ના રોજ, સેંગર, તેના ભાઈ અને અન્ય પાંચને પણ બળાત્કાર પીડિતાના પિતાના કસ્ટોડિયલ મૃત્યુ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને ૧૦ વર્ષની જેલની સજો ફટકારવામાં આવી હતી.