ઉના શહેરમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેર ભાજપ મહામંત્રીના પુત્રની દુકાન ‘રઘુવંશી સ્ટોર’માંથી લુઝ ઘીના નમૂના લેવામાં આવ્યા છે. એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. એન.એ. વાઘેલા, સ્ટાફના ઇબ્રાહિમશા બાનવા, પ્રતાપસિંહ ગોહિલ અને રણજીતસિંહ ચાવડાએ સિનિયર ફૂડ સેફ્‌ટી ઓફિસર સાથે મળીને આ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન રઘુવંશી સ્ટોરમાંથી ૧૫ કિલો લુઝ ઘી મળી આવ્યું હતું, જે ફૂડ લાયસન્સ વગર વેચવામાં આવી રહ્યું હતું. દુકાન માલિક ચિરાગ કાંતિભાઈ છગ વિરુદ્ધ બનાવટી અને ભેળસેળયુક્ત ઘી અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફૂડ લાયસન્સ વગર વેપાર કરતો હોવાનું પણ સામે આવતા, લુઝ ઘીના નમૂના લઈને તેને લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. ઉના શહેરમાં અનેક જગ્યાએ બનાવટી ઘીનો વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે.