ઉના નજીક ગીરગઢડા રોડ પર રાત્રીના સમયે બાઈક અને ટ્રેકટર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું ટ્રેક્ટર નીચે દબાઈ જતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે ટ્રેકટર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. જોકે આ અકસ્માત સર્જાતાં વાહનમાં આગ ભભુકી ઉઠતા તાત્કાલિક ફાયબ્રિગેડની મદદથી આગને કાબૂમાં લઈ આગ બુઝાવી હતી. ઉનાના વરસિંગપુર ગામે રહેતો કૃણાલ પ્રતાપભાઈ સોલંકી પોતાની બાઈક પર ઉના ગીરગઢડા રોડ પરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટ્રેકટર ચાલકે બાઈકને અડફેટે લેતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક ટ્રેકટરની નીચે આવી જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. આ અકસ્માત સર્જાતાં સ્થાનિક વાહન ચાલકોએ ટ્રેકટર નીચે દબાયેલ યુવકને બહાર કાઢ્યો હતો.