ઉના નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. ફોર્મ ચકાસણીના અંતે ભારતીય જનતા પાર્ટીના ૧૨ ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ભાજપે જીત તરફ મક્કમ ડગ માંડ્‌યા છે. નગરપાલિકાની કુલ ૩૬ બેઠકોમાંથી હવે માત્ર ૨૪ બેઠકો પર જ મતદાન પ્રક્રિયા યોજાશે.આ પ્રક્રિયામાં આમ આદમી પાર્ટીના ૧૨ ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવ્યા હતા. ટેકેદારોએ પોતાની સહી ન હોવાનું સોગંદનામું આપતા ‘આપ’ને મોટો ફટકો પડ્‌યો છે. બીજી તરફ, કોંગ્રેસના શહેર પ્રમુખ ગુણવંતભાઈ તળાવીયાના ફોર્મમાં પણ દરખાસ્ત કરનાર તરીકે ઉમેદવારનું જ નામ હોવાથી ક્ષતિ જણાઈ હતી, જેના કારણે તેમનું ફોર્મ પણ અમાન્ય ઠર્યું છે. આ સાથે કોંગ્રેસે મેદાન ગુમાવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.બિનહરીફ થયેલી બેઠકોમાં વોર્ડ નંબર ૨ ના ચાર, વોર્ડ ૩ ના ત્રણ, વોર્ડ ૫ ના બે, વોર્ડ ૬ ના એક અને વોર્ડ ૯ ના બે ઉમેદવારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે વોર્ડ ૨ માં ચારેય મુસ્લિમ ઉમેદવારો બિનહરીફ થયા છે. વિપક્ષોના ફોર્મ રદ થતા અને અપક્ષોએ ફોર્મ પાછા ખેંચતા ઉનામાં ભાજપનું પલ્લું અત્યારથી જ ભારે દેખાઈ રહ્યું છે.