ઉનામાં આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણી પ્રચારના પડઘમ તેજ બન્યા છે, ત્યારે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે સ્ટાર પ્રચારકોના સહારે મેદાન મારવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ગુજરાતના જાણીતા લોકગાયક જિગ્નેશ કવિરાજ ઉના પહોંચતા કાર્યકરો અને સમર્થકોમાં અનેરો ઉત્સાહ જાવા મળ્યો હતો.
ઉનામાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવા આવેલા જિગ્નેશ કવિરાજે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી પક્ષ પ્રત્યે પોતાની મક્કમતા દર્શાવી હતી. તેમણે પોતાની આગવી શૈલીમાં મતદારોને સંબોધતા ભાજપની વિકાસગાથાને આગળ ધપાવવા અને જંગી મતોથી ઉમેદવારોને જીતાડવા માટે અપીલ કરી હતી. જીગ્નેશ કવિરાજે માત્ર રાજલ બારોટ માટે જ નહીં પરંતુ વોર્ડ નંબર ૭ના ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી.
આ પ્રચાર અભિયાનમાં મુખ્ય આકર્ષણ વોર્ડ નં. ૭ ના ઉમેદવાર રાજલ બારોટ રહ્યા હતા. જિગ્નેશ કવિરાજે રાજલ બારોટના સમર્થનમાં જારશોરથી પ્રચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજલ બારોટ ગુજરાતના અમર લોકગાયક સ્વ. મણિરાજ બારોટની પુત્રી છે અને હાલ તેઓ ઉનાની પુત્રવધૂ તરીકે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. પિતાના વારસા અને સેવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરેલા રાજલ બારોટ માટે જિગ્નેશ કવિરાજનું સમર્થન નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે.
લોકગાયકની હાજરીથી ઉનાના રાજકારણમાં ભારે ગરમાવો જાવા મળી રહ્યો છે. જિગ્નેશ કવિરાજને સાંભળવા અને જાવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં થયેલા વિકાસ કાર્યોને જનતા સુધી પહોંચાડવા અને ઉનાના ઉજ્જવળ ભવિષ્ય માટે કમળના નિશાન પર મતદાન કરવું જરૂરી છે.







































