ઉના, તા.૧૯
ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં બે અલગ અલગ ગામોમાં દીપડા દ્વારા રહેણાક વિસ્તારમાં ઘૂસી આવવાની ઘટના બની છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.આજે બપોરે ઊના તાલુકાના પાલડી ગામમાં રહેણાંકી વાડી વિસ્તારમાં આવેલી ઘાસચારાની ઓરડીમાં ધોળા દિવસે દીપડો ઘૂસી ગયો હતો. આ ઘટનાથી ગામમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકોએ નાસભાગ મચાવી હતી. તાત્કાલિક વન્ય પ્રાણી વિભાગને જાણ કરવામાં આવી હતી. જસાધાર રેન્જના ભરવાડ અને બીટગાર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે દીપડાને પાંજરામાં પકડવાનો પ્રયાસ શરૂ કર્યો, પરંતુ ઓરડીમાં ઘાસ અને ચારાના ઢગલા હોવાથી દીપડો સંતાઈ ગયો હતો. એનિમલ કેર સેન્ટરના તબીબ દ્વારા દીપડાને બેભાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ નિષ્ફળતા મળી હતી. વન્ય પ્રાણી વિભાગની ટીમે ઓરડીના નળીયા ખસેડીને દીપડાને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો. ઘટના સ્થળની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.