ગીર પંથકમાં છેલ્લા ૪૫ દિવસમાં નહિવત વરસાદને કારણે ઉના-ગીરગઢડા પંથકની શાહી, રૂપેણ, રાવલ અને મછુન્દ્રી નદીઓ સૂકી બની જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જંગલ વિસ્તારમાંથી પસાર થતી રાવલ અને મછુન્દ્રી નદીમાં આ ચોમાસા દરમિયાન એકપણ વાર નવા નીર આવ્યા નથી. દર વર્ષે શ્રાવણ માસમાં બે કાંઠે વહેતી રાવલ નદીમાં આજે પણ નહિવત પાણી જોવા મળી રહ્યું છે. ગીર વિસ્તારમાંથી પસાર થતી શાહી નદી ખાલીખમ જોવા મળે છે. ગીરગઢડાની મછુન્દ્રી નદીમાં પણ નવા નીરની આવક નહિવત જોવા મળી છે. ઉપરવાસમાં વરસાદને લીધે મછુન્દ્રી ડેમ ૯૫ ટકા ભરાઈ ગયેલ છે, પરંતુ હજુ સુધી નદીમાં પાણી આવ્યું નથી. ગીર પંથકમાં ચોમાસાના ૪૫ દિવસમાં એકપણ વાર ખેતરોમાં જરૂર મુજબનો વરસાદ ન વરસતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.