પોલીસે તેને પકડવા માટે રૂ.૧૦ હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું
ઉના, તા.રર
ત્રણ વર્ષ પહેલા ઉનામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ. ૬૦ લાખથી વધુની માલમત્તાની લૂંટ કરનારા છઠ્ઠા અને અંતિમ આરોપી મૌલિકસિંહ ઉર્ફે મુન્નાબાપુ રણમલસિંહ વાઢેરને ગુજરાત પોલીસની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. લૂંટની ઘટના ૧૯ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ બની હતી, જ્યારે સોમાભાઈ રામદાસ આંગડિયા પેઢીના કર્મચારી દીવ-ભાવનગર બસમાં ચડવા જતા હતા ત્યારે તેમની પાસે રહેલા થેલામાંથી રોકડા રૂપિયા, હીરાના પેકેટો અને સોનાના દાગીના મળીને કુલ રૂ. ૬૦ લાખ ૮૦ હજાર ૨૫૦ની માલમત્તા લૂંટી લેવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને થોડા દિવસોમાં જ પાંચ આરોપીઓને પકડી પાડીને રૂ.૧૭ લાખ ૫૭ હજાર ૫૮૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. મુખ્ય આરોપી મૌલિકસિંહ ફરાર થઈ ગયો હતો અને તેની સામે ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો પણ નોંધાયો હતો. પોલીસે તેને પકડવા માટે રૂ.૧૦ હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમી આધારે મૌલિકસિંહને મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાના મેવજી તાલુકાના જામખા ગામેથી ઝડપી પાડ્યો હતો. ઉના પોલીસ ટૂંક સમયમાં આરોપીનો કબજો મેળવવા અમદાવાદ જશે.