ઉના તાલુકાના તથા ગીરગઢડા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ ભેદભાવ અને અત્યાચારના મુદ્દે આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ અનુસૂચિત જાતિના લોકો પર થઈ રહેલા ભેદભાવ અને પ્રશાસન દ્વારા અપનાવવામાં આવતા ભેદભાવપૂર્ણ વલણ અંગે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉના તાલુકાના મોઠા ગામમાં બનેલી ઘટના અંગે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગામના ૩૦-૩૧ અનુસૂચિત જાતિના પરિવારો છેલ્લા ૩૦ વર્ષથી સરકારી ખરાબાની જમીન પર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ તા.૧૯/૦૩/૨૦૨૫ના રોજ પ્રશાસન દ્વારા આ જમીન પર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માત્ર અનુસૂચિત જાતિના પરિવારોને જ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે કે, ગામમાં સરકારી સર્વે નંબર, ગૌચર, ભાઠાની જમીન અને ગામતળની જમીન પર થયેલા તમામ દબાણોને દૂર કરવામાં આવે. ડિમોલિશન દરમિયાન અનુસૂચિત જાતિના લોકોને થયેલા નુકસાનનું સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે.