ગીરગઢડાના શાણાવાકિયા ગામે રહેતા ખુટ નરેશભાઈનો પુત્ર કર્મ ધો. ૪માં અભ્યાસ કરતો હોવાથી સવારે શાળામાં પરીક્ષા આપવા ઉના આવેલ હતો. પરીક્ષા પૂર્ણ કરીને ઉનાની સ્વામી વિવેકાનંદ સ્કૂલની બસમાં પોતાના ગામે જવા નીકળતા નાળીયેલી મોલી ગામે સ્કૂલ બસનો છેલ્લો સ્ટોપ હોવાથી બસ પાર્કિંગમાં રાખી હતી. ત્યાં કર્મ ઉતરી રહ્યો હતો ત્યારે દરવાજો ખોલતા સીધો ત્યાં આવેલા પિલ્લર સાથે અથડાતા માથાના ભાગે ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત હાલતમાં ઉનાની સરકારી હોસ્પિટલમાં પરિવારજનો લાવતાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, આથી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું હતું. ઘટનાની જાણ થતા હસમુખભાઈ રફાળીયા, નરેશભાઈ વઘાસીયા, ઘનશયામભાઈ દુધાત, નરેશભાઈ જાગાણી સહિતના હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. વિદ્યાર્થીના પરિવારને દિલાસો પાઠવી શોક વ્યક્ત કર્યો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી બસ ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.