ગીરસોમનાથ જિલ્લાના ઉના પંથકમાં કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં એક ખેડૂતે આત્મહત્યા કરી છે. રેવદ ગામના ૪૯ વર્ષીય ખેડૂતે જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખેડૂત ઘણા કલાકો બાદ પણ ઘરે ન આવતા દીકરીએ કાકાને ફોન કર્યો હતો. ખેડૂતની શોધખોળ કરાઈ હતી. જ્યારે ખેતર પહોંચ્યા ત્યારે ખેડૂતનો શર્ટ, મોબાઈલ અને બૂટ કૂવાની ઓરડી પાસે મળી આવ્યા હતા. શંકાના આધારે કૂવામાં મોટરથી પાણી ઉલેચવામાં આવ્યું હતું. ત્યારે મૃતહાલતમાં ખેડૂત મળી આવ્યો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, ૪૯ વર્ષીય ગફાર મુસા ઉનડેએ ૩ નવેમ્બરના રોજ સાંજે ૬ વાગ્યાની આસપાસ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે. પરિવારજનો વાડીએ પહોંચી શોધખોળ કરતાં ખેડૂત મળી આવ્યા ન હતા. કૂવામાં પડ્યા હોવાની શંકા જતાં, બે મોટર મૂકી પાણી ઉલેચી ત્રણ તરવૈયાઓની મદદથી શોધખોળ કરાઈ હતી. તેમનો મૃતદેહ મળી આવતાં તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મૃતક ગફાર ઉનડ ૯ વીઘા ખેતીની જમીન ધરાવતા હતા અને તેમના પરિવારનું ગુજરાન ખેતી પર નિર્ભર હતું. તેમણે પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. તૈયાર પાક લણવાની તૈયારી હતી ત્યારે કમોસમી વરસાદ આવતાં મગફળીના પાથરા તણાઈ ગયા હતા, જેના કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હતો.પાક નિષ્ફળ જતાં ખેડૂત ગફાર ઉનડે છેલ્લા દસેક દિવસથી તણાવ અને ડિપ્રેશનમાં હતા. તેમણે મંડળીમાંથી ૨ લાખ રૂપિયાની લોન લીધી હતી અને બે દીકરીઓની સગાઈ કરી હોવાથી તેમના લગ્નની ચિંતા પણ તેમને સતાવી રહી હતી. આર્થિક સંકડામણ અને પાક નિષ્ફળતાના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. મૃતક ખેડૂત સમાજના અગ્રણી અને સરળ સ્વભાવના હતા. તેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. તેમની દફન વિધિમાં મોટી સંખ્યામાં સમાજ અને ગામના લોકો જાડાયા હતા.