ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં વાતાવરણે અચાનક પલટો લીધો હતો. બપોરના સમયે અચાનક પવનની ગતિમાં જોરદાર વધારો થતાં મોઠા ગામથી રામેશ્વર તરફ જતા માર્ગ પર આવેલ દૂધનાથ મહાદેવ મંદિર પાસે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ સીધું PGVCL વીજળીના તાર પર પડ્‌યું હતું. જેના કારણે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા PGVCL ટીમ સ્થળ પર દોડી આવી હતી. ટીમે કલાકોની જહેમત બાદ વીજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો હતો.સદ્‌નસીબે, જે સમયે આ ઘટના બની તે સમયે માર્ગ પર લોકોની અવરજવર બિલકુલ નહોતી. જેના કારણે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાન થયું ન હતું. જોકે, અચાનક વાતાવરણમાં આવેલા આ પલટા અને પવનની ગતિમાં થયેલા વધારાને કારણે વિસ્તારના લોકોમાં થોડો ભયનો માહોલ જોવા મળ્યો હતો.