ઉના શહેરમાં બસસ્ટેશન પાસે બે બાઇક વચ્ચે અકસ્માત થતાં રસ્તા પરથી પસાર થતો ટ્રકના પાછલા ટાયરના જોટામાં મહીલા આવી જતાં પતિની નજર સામે પત્નીનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે બે વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પીટલે લઈ જવાયા હતા. પ્રાપ્ત વિગત મુજબ અનવરઅલી હાસમઅલી રફાઇ તેમજ જરીનાબેન બંને પતિ-પત્ની બાઇક પર દેલવાડાથી ઉના આવતા હતા. તે દરમિયાન બસ સ્ટેશન સામે હાઇવે રોડ પાસે રાત્રીના બાઈક ઉભી રાખી અનવરઅલી, ભત્રીજા મહેફુજભાઇ તથા જરીનાબેન ઉભા હતા. ત્યારે ભાવનગર હાઇવે પરથી પુરપાટ ઝડપે આવતા બાઈક ચાલકે રસ્તા પાસે ઉભેલા અનવરઅલીની બાઇકને ઠોકર મારી હતી અને જરીનાબેન, અનવરઅલી તેમજ મેહફુજભાઇ ત્રણેય રોડ પર ફંગોળાઇ ગયા હતા. જ્યારે જરીનાબેન રસ્તા પરજ ફંગોળાય જતાં ત્યાંથી પસાર થતો ટ્રક નં.જીજે ૦૧ ઇ ટી ૦૧૫૭ના પાછલા ટાયરના જાટામાં આવી જતા તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે ઇજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવાર અર્થે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. આ બાબતે ઇજાગ્રસ્ત અનવરઅલીએ બાઇક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.