ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૩ વર્ષ પૂર્વે થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો અને લાંબા સમયથી નાસતો-ફરતો આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જ આઈ.જી.ની સૂચનાથી કાર્યરત પેરોલ ફર્લો સ્ક્વોડે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. વર્ષ ૨૦૦૩માં ઉના પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અંગેનો ગુનો (ગુના ક્રમાંક ૨૬૧/૨૦૦૩) નોંધાયો હતો. આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે રામજીભાઈ ઉર્ફે રામ ટાભા ગોહિલ (રહે. કોબ, તા. ઉના) નું નામ ખુલ્યું હતું. જોકે, પોલીસ ધરપકડથી બચવા માટે આરોપી રામજી ગોહિલ ઘટના બાદ તુરંત જ ફરાર થઈ ગયો હતો. બે દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. આરોપી રામજી છેલ્લા ૨૩ વર્ષથી પોતાની સાચી ઓળખ છુપાવીને અલગ-અલગ વિસ્તારોમાં વસવાટ કરતો હતો. પરંતુ, પોલીસની સતર્કતાને કારણે તેના વર્તમાન લોકેશન અંગે ચોક્કસ માહિતી મળી હતી. જૂનાગઢ રેન્જ પોલીસની ટીમે બાતમીના આધારે કેશોદ વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને આખરે આરોપીને દબોચી લીધો હતો.










































