ઇરાક-ઇઝરાયેલ યુધ્ધની વૈશ્વિક અસર હવે સ્થાનિક સ્તરે વર્તાવા લાગી છે. ઉના શહેરમાં ગેસ સિલિન્ડરના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં સામાન્ય જનતા સહિત વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારથી જ લોકો કાળઝાળ ગરમીમાં સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ઉના શહેરમાં અગાઉ દરરોજ સરેરાશ ૫૨૫ સિલિન્ડરનો જથ્થો આવતો હતો. જોકે, હાલ કંપની તરફથી માત્ર ૩૪૨ સિલિન્ડર જ ફાળવવામાં આવી રહ્યા છે. આમ, દરરોજ ૧૮૩ સિલિન્ડરની ઘટ પડતા વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. ગેસ એજન્સીઓ પર ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, છતાં અનેક લોકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. ઘરગથ્થુ ગેસની સાથે કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લા ચલાવતા નાના-મોટા ખાણી-પીણીના ધંધાર્થીઓની હાલત કફોડી બની છે. ઈંધણના અભાવે અનેક ધંધાર્થીઓને પોતાના વ્યવસાય ચલાવવામાં આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે જ્યારે ઉનાના મામલતદાર અને પ્રાંત અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે મીડિયા સમક્ષ કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.