ઉના શહેરમાં GEB ઓફિસ નજીક આવેલા ગણેશ મંદિર રામનગર ખારાથી લામધાર તરફ જતા વાડી વિસ્તારના રસ્તા પર બાવળ અને ઝાડી-ઝાંખરાની ભરમારથી વાહનચાલકો, શાળાએ જતા બાળકો અને ખેડૂતોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે વિસ્તારના લોકો અને ખેડૂતો દ્વારા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને રજૂઆત કરવામાં આવી હતી. લોકોની રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈને, ઉનાના સક્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ, તેમણે નગરપાલિકાના સ્ટાફને રસ્તાની બંને બાજુના બાવળ અને ઝાડી-ઝાંખરા દૂર કરી, રસ્તો ખુલ્લો કરવા તાત્કાલિક સૂચના આપી હતી. ધારાસભ્યની આ સક્રિય દરમિયાનગીરીના કારણે આ લાંબા સમયથી પ્રશ્નનો નિકાલ આવતા, વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.










































