ઉનામાં જલારામ વાડી ખાતે ૩થી ૫ જૂલાઈ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી હતી. જેમાં ઉના અને ગીરગઢડા તાલુકાના ગામોમાંથી ૫૦ કરતાં વધારે ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તેની સાથે જ ગાય તેમજ પ્રકૃતિનું જતન કરે એવા હેતુસર આ તાલીમમાં જોડાયાં હતાં. આ તાલીમ દરમિયાન મનીષભાઈ બલદાણીયાએ પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિધ્ધાંતો અને પાયાની માહિતી આપી હતી. પ્રાકૃતિક ખેતીમાં સેન્દ્રિય કાર્બન અને જમીનની જાળવણીની માહિતી સતિષભાઈ હડિયાલે આપી હતી. તજજ્ઞ રમેશભાઇ રાઠોડે પ્રાકૃતિક ખેતીમાં આવતા રોગ જીવાતના નિયંત્રણની માહિતી આપી હતી અને તૈયાર થયેલ પાકનું વેચાણ કયાં કરવું અને કઈ રીતે સરળતાથી વેચાણ કરી શકાય તેની માહિતી પૂજાબેન હેરમાએ આપી હતી. બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીની પધ્ધતિનું માર્ગદર્શન રણજીતસિંહ બારડે આપ્યું હતું.









































