ઉના શહેરમાં એક કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર નાઘેર પાઉંભાજીની દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં દુકાનની બહારના ભાગે દિનેશભાઈ ગાંધી નામના અસ્થિર મગજના વૃદ્ધ સુતા હતા જેમના પર કાર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મળતી માહિતી મુજબ અમદાવાદ રહેતો પરિવાર રાત્રિના કાર નં. જીજે ૦૬ પીઆર ૨૫૨૬માં નીકળેલ અને ઉનાથી દિવ તરફ જઇ રહ્યા હતા ત્યારે શિવાજી પાર્કની સામેના ભાગે ખાઉગલી પાસે મુખ્ય રસ્તા પર કોઈ વાહનને બચાવવા જતા સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર સીધી નાઘેર પાઉંભાજીની દુકાનમાં ઘૂસી ગઈ હતી. અહીં દુકાન પાસે સુતેલા વૃદ્ધ દિનેશભાઈ ગાંધી પર કાર ફરી વળતા તેમનું મોત થયું હતું. દુકાનની બહાર પાર્ક કરેલ એક બાઇકનો પણ કચ્ચરઘાણ કરી નાખ્યો હતો. આ કારમાં એક જ પરિવારના ચાર લોકો હતા જેમાં બાળકો પણ હતા. આ ઘટનામાં કારમાં બેઠેલા ચાર વ્યક્તિમાંથી એક બાળક મિહિર કપિલભાઈને ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે અન્યને નાની મોટી ઇજા થઈ હતી.