સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઉના નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર ફાયરિંગનો દાવો કરવામાં આવ્યો છે. ૨૩ એપ્રિલની રાત્રે ઉના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૫ અને ૭ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તથા જાણીતા એડવોકેટ અજય બાંભણીયા પર જીવલેણ હુમલાના આક્ષેપથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનાને લઇને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
આપના નેતા અજય બાંભણીયાના જણાવ્યા અનુસાર, તેઓ રાત્રે અંદાજે ૧૦ વાગ્યાના અરસામાં પોતાની કારમાં તપોવન પાટીયા નજીકથી પસાર થતા હતા ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ તેમની કારને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. અજય ભાઇના દાવા અનુસાર, હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ પણ કર્યું હતું. જાકે, પોલીસે પ્રાથમિક તપાસમાં ફાયરિંગની ઘટનાને નકારી છે અને સાવચેતીપૂર્વક સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
હુમલા દરમિયાન કારનો કાચ તૂટી ગયો હતો અને આપના ઉમેદવારને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જાકે, તેમને સમયસૂચકતા દાખવી પોતાની કારને સીધી પોલીસ સ્ટેશન તરફ દોડાવી હતી. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ તેઓએ ઘટનાની જાણ કરી હતી પરંતુ રજૂઆત દરમિયાન તેઓ અચાનક બેભાન થઇ ગયા હતા. તાત્કાલિક પોલીસે તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસે તપોવન પાટિયા વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. ફોરન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને પણ ઉના બોલાવવામાં આવી છે, જે ઘટના સ્થળ પરથી પુરાવાઓ એકત્રિત કરી રહી છે. હોસ્પિટલ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
આ હુમલાની જાણ થતા શહેરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પાર્ટીના નેતા પ્રવીણ રામ પણ ઇજાગ્રસ્ત અજય બાંભણીયાની મુલાકાત લેવા ઉના પહોંચ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, એસઓજી,એલસીબી અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જાડાયો છે. હાલ હુમલાખોરોની ઓળખ અને હુમલાના કારણ અંગે સ્પષ્ટતા થઈ નથી.આપના નેતા ઇસુદાન ગઢવીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ હોવાનું જણાવ્યું હતું.